જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જા આપતી કલમ 370 રદ્દ કરાયા પછી રાજ્યમાં કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. સરકારનાં નિર્ણયની પ્રતિક્રિયા સ્વરૂપે કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે સરકાર દ્વારા તમામ પ્રકારનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘણા વિસ્તારમાં કફર્યુ લગાવવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. રાજ્ય પ્રશાસનની સાથે મળી કેન્દ્ર સરકાર કાશ્મીરની સ્થિતિ પર નજર રાખીને બેઠી છે.
આ દરમિયાન કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા કડક બંદોબસ્ત બાદ હવે ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના હજારો ગરીબ લોકો, પોતાના ઘરે પરત જવા મજબૂર બન્યા છે. આ તમામ લોકો જે અહીંયા રહી મજૂરી કરતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ, હવે પરિસ્થિતિ એવી છે કે, લોકો ચાર દિવસથી ભુખ્યા, તરસ્યા કેટલાએ કિલોમીટરની યાત્રા પગપાળા કરી જમ્મુ પહોંચી રહ્યા છે અને તેમની પાસે એટલા પૈસા પણ નથી કે, પોતાના ગામ સુધી જવા ટિકિટ ખરીદી શકે.
હવે કાશ્મીરી લોકોએ તેમને પગાર આપવાની ના પાડી દીધી છે. સાથે જ સુરક્ષા એજન્સીઓ અને સેના દ્વારા કડકાઈપૂર્વકનું વલણ અપનાવ્યા બાદ આ તમામ શ્રમિકોને તેમનાં કામ-ધંધા પરથી હાંકી કઢાયા છે. તેમજ પોતાના ઘરે જવા કહી દીધુ છે. ત્યારબાદ આ તમામ લોકો પાસે હવે બીજો કોઈ રસ્તો નથી બચ્યો. હવે તેમના પાસે અહીં રહેવા માટે ઘર નથી. તેમજ તેઓ અહિં ખુદને સુરક્ષીત નથી માનતા.
જમ્મુ રેલ્વે સ્ટેશન પહોંચેલા એક મજૂર જણાવ્યું કે, અમે શ્રીનગરથી આવી રહ્યા છીએ, કેટલાએ કિલોમીટર પગપાળા ચાલ્યા છીએ. વચ્ચે વચ્ચે આર્મીની ટ્રકમાં કેટલીક યાત્રા કરી, પરંતુ ખીસ્સામાં પૈસા જ ન હતા કે બસનું ભાડુ આપી શકીએ. ચાર દિવસથી ખાવાનું પણ નથી ખાધુ. હવે એટલા પૈસા પણ નથી કે, બિહાર સ્થિત પોતાના ગામની ટિકિટ લઈ શકીએ. પરંતુ, અહીં રહેવાથી સારૂ કોઈ પણ રીતે પોતાના ઘરે પહોંચી જઈએ.

