માંડલના વરમોરમાં દલિત યુવકની થયેલી હત્યાનો પડઘો લોકસભામાં પડયો

ગુજરાત દેશ-વિદેશ મુખ્ય સમાચાર

આંતરજ્ઞાતીય લગ્ન કરનાર દલિત યુવક હરેશ સોલંકીની માંડલના વરમોરમાં થયેલી હત્યાનો પડઘો બુધવારે લોકસભામાં પડયો હતો. કેરળથી કોંગ્રેસના સાંસદ કે. સુરેશે ગુજરાતમાં માનવ અધિકારના હનન મુદ્દે સરકારની જવાબદેહિતા મુદ્દે સભા મોકૂફ કરવાના પ્રસ્તાવની નોટિસ આપી છે. જેના પર લોકસભા અધ્યક્ષ નિર્ણય કરશે.

સમાનતા, અહિંસા જેવા મૂલ્યોની ગાંધીના ગુજરાતમાં જ હત્યા થઈ રહી છે. મંગળવારે હરેશની હત્યા થઈ ત્યારે ગુજરાત વિધાનસભા રાબેતા મુજબ ચાલુ હતી. ગઈકાલે ભાજપ કે કોંગ્રેસ બેઉમાંથી એક પણ ધારાસભ્યે સરકારનું ધ્યાન દોરવા પ્રયાસ શુદ્ધાં કર્યો નહોતો. બુધવારે દિલ્હીમાં લોકસભામાં આ મુદ્દો ઊઠયા પછી પણ કોંગ્રેસના ધારાસભ્યો ચૂપ રહ્યા છે. ગુજરાત જાતિવાદ અને ઊંચનીચના ભેદભાવથી મધ્યકાલીન ભારત તરફ ધકેલાઈ રહ્યું છે. તેમ છતાંયે જનપ્રતિનિધિઓ મોંએ મુપટ્ટી ધરી હોય તેવો માહોલ છે.

જો કે, મંગળવારે આ ઘટના બાદ અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ નિયમ-116 હેઠળ વિધાનસભાનું ધ્યાન દોરવા અધ્યક્ષને નોટિસ આપવાનું જાહેર કર્યું હતું. બુધવારે આ નોટિસ અધ્યક્ષ કાર્યાલયને પહોંચાડી દેવાઈ છે. હવે અધ્યક્ષ જ્યારે ચર્ચાને અવકાશ આપશે ત્યારે ભાજપ સરકાર ગુજરાતના સમાજ જીવનમાં પડેલી તિરાડો સાંધવા શું કરી રહી છે તે બહાર આવશે.