ધોની ભારત પરત ફરતા જ લેવાયો ચોંકાવનારો નિર્ણય, વેસ્ટઇન્ડીઝ માટે ટીમની પસંદગી ટળી

ખેલ-જગત મુખ્ય સમાચાર

વેસ્ટઇન્ડીઝનાં પ્રવાસે જનારી ભારતીય ક્રિકેટ ટીમ માટે શુક્રવારનાં ખેલાડીઓની પસંદગી થવાની હતી, પરંતુ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે હવે તેને આગળ વધારી દેવામાં આવ્યું છે. વેસ્ટઇન્ડીઝ પ્રવાસે ભારતે 3 વન ડે, 3 ટી-20 અને 2 ટેસ્ટ મેચ રમવાની છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે 19 તારીખે ભારતીય ટીમની જાહેરાત કરવાની હતી તેને કેમ ટાળી દેવામાં આવી.

ધોનીનાં ભવિષ્યને લઇને ચર્ચા બાદ ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવશે

આ દરમિયાન પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની ગુરૂવારનાં ભારત પરત ફર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ધોનીનાં ભવિષ્યને લઇને ચર્ચા કર્યા બાદ ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવશે. એવી પણ અટકળો છે કે વેસ્ટઇન્ડીઝ પ્રવાસે જનારી ભારતીય ટીમમાં અનેક મોટા બદલાવ જોવા મળી શકે છે. ઘણા મોટા ખેલાડીઓ જેમકે વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહને આરામ અપાય તેવી સંભાવના છે. ઑપનર શિખર ધવન ઇજાગ્રસ્ત છે તો તેની જગ્યાએ પણ કોઇકને તક મળી શકે છે. કેદાર જાધવ અને દિનેશ કાર્તિકને પણ નજરઅંદાજ કરી શકાય છે, કેમકે બંને ટીમ ઇન્ડિયાની ભવિષ્યની યોજનાઓમાં ફિટ બેસતા નથી.

નવદીપ સૈની અને ખલીલ અહમદને ટીમમાં જગ્યા મળવી નક્કી

જો વિરાટ કોહલીને આરામ અપાશે તો રોહિત શર્માને કેપ્ટનશિપ અપાઇ શકે છે. રોહિતને આરામ અપાશે તો વિરાટ ટીમને લીડ કરશે. તો ઝડપી બૉલર નવદીપ સૈની અને ખલીલ અહમદને ટીમમાં જગ્યા મળવી નક્કી છે. વિકેટકીપિંગની જવાબદારી ઋષભ પંતનાં ખભે હશે. એમએસ ધોનીને પંતનાં માર્ગદર્શનની જવાબદારી આપવામાં આવી શકે છે.

વેસ્ટઇન્ડીઝ પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ

ભારતીય ટીમનો વેસ્ટઇન્ડીઝ પ્રવાસ 3 ઑગષ્ટથી શરૂ થશે. આમાં 3 ટી-20, 3 વન ડે મેચ અને 2 ટેસ્ટ રમાશે. આ પ્રવાસની શરૂઆત ટી-20થી થશે, ત્યારબાદ 8 ઑગષ્ટથી વન ડે સીરીઝ શરૂ થશે. 22 ઑગષ્ટથી પહેલા ટેસ્ટ શરૂ થશે, જ્યારે બીજી ટેસ્ટ 30 ઑગષ્ટથી શરૂ થશે.