આજના યુવાનો નશાના રવાડે ચઢ્યા છે. ત્યારે સુરત પોલીસે નશાખોરી સામે સૌથી મોટી કાર્યવાહી કરી છે. સુરત પોલીસે બાતમીના આધારે ઉમરા અને અડાજણ વિસ્તારમાં મેગા ડ્રાઈવ યોજી હતી. પોલીસની આ મેગા ડ્રાઈવમાં 100 યુવાનોની અટકાયત કરવામાં આવી હતી. તમામ યુવાનોને ઉમરા પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. જો કે, પોલીસ તમામ યુવાનોને ટેસ્ટ માટે લઈ જવામાં આવશે. નશાખોરી સામે પોલીસની કાર્યવાહી સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. અને ખાસ કરીને યુવાનોમાં સન્નાટો છવાઈ ગયો હતો. તો ઉમરા પોલીસ સ્ટેશનમાં 100 જેટલાં યુવાનોને લાઈનસર નીચે બેસાડી દેવામાં આવ્યા હતા. આ તમામ યુવાનો શ્રીમંંત પરિવારથી આવતાં હોવાની પણ ચર્ચા છે.
આગામી દિવસોમાં સુરત પોલીસ નશાખોરી સામે હજુ મોટી કડક કાર્યવાહી કરશે તેવા એંધાણ છે. તો હાલમાં જ રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ નશાખોરીને ડામવા માટે કડક આદેશ આપ્યા હતા. ત્યારે શનિવારે રાત્રે સુરત પોલીસ દ્વારા કરાયેલી આ કાર્યવાહી નશાખોરી સામેનું મોટું ઝુંબેશ સાબિત થઈ શકે છે. જો ટેસ્ટમાં યુવાનોએ નશો કર્યો હોવાનું સામે આવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

