ગૃહમંત્રી અમિત શાહ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોના પુર્નવાસ માટે યોજનાબદ્ધ તૈયારી કરી રહ્યા છે. ગૃહ મંત્રાલયના સત્તાવાર સૂત્રો મુજબ અમિત શાહે આ મામલે વિતેલા એક મહિનામાં અનેક બેઠકો યોજી છે. રાજ્યમાં સક્રિય રણનીતિ સાથે બહારના અને અંદરના આતંકવાદને નિપટાવતા ગૃહમંત્રી કાશ્મીરી પંડિતોના પુર્નવાસ માટે પ્રયત્નશીલ છે.
કાશ્મીરમાં 1989 પછી શરુ થયેલા ઉગ્રવાદી જૂથો દ્વારા પૂર્વ આયોજીત હુમલાઓ પછી રાજ્યમાંથી પલાયન કરી ચૂકેલા કાશ્મીરી પંડિતોની સંખ્યા આશરે ત્રણ લાખની છે. સૂત્રોની માનીએ તો ગૃહ મંત્રાલય રાજ્યમાં કાશ્મીરી પંડિતો માટે સુરક્ષિત આવાસ યોજના તૈયાર કરવા પર વિચાર કરી રહી છે.
આ સિવાય ગૃહ મંત્રાલય કલ્યાણકારી યોજનાઓ પર ધ્યાન દોરી રહી છે જેમાં ખાસ કરીને આતંકથી પ્રભાવિત પ્રદેશમાં વસી રહેલી વિધવાઓ, આતંકનો શિકાર બનેલા લોકો, વિકલાંગો અને વરિષ્ઠનાગરિકો સંબંધિત કલ્યાણકારી યોજનાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રાજ્યપાલ સત્યપાલ મલિકે પણ સંકેત આપ્યા હતા કે, રાજ્યમાં કાશ્મીરી પંડિતોના પુર્નવાસ માટે સરકાર નીતિ બનાવી રહી છે.
સૂત્રો મુજબ અમરનાથ યાત્રાની સમાપન સાથે જ આ યોજનાની જાહેરાત કરવામાં આવશે. કાશ્મીરી પંડિતો વિતેલા ત્રીસ વરસોથી પોતાના પુર્નવાસ યોજના માટે રાહ જોઇ રહ્યા છે.
આ સિવાય અમિત શાહે પોલીસ અને પ્રશાસન અધિકારીઓને અલગાવવાદી નેતાઓ અને તેમના સમર્થકો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા નિર્દેશ કરેલ છે.

