પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી, ડૉ શ્યામા પ્રસાદ મુખરજી અને દીનદયાલ ઉપાધ્યાયના શંકાસ્પદ મોત માટે કેન્દ્ર સરકાર હાલ કોઈ પંચનું ગઠન નહીં કરે. સરકારે કહ્યું છે કે, આ નેતાઓના શંકાસ્પદ મોત માટે અત્યારે કોઈ પંચ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો નથી.
પૂર્વ પીએમ શાસ્ત્રીજીનું નિધન 11 જાન્યુઆરી 1966માં તાસકંદમાં, શ્યામા પ્રસાદ મુખરજીનું નિધન 23 જૂન 1953માં શ્રીનગરમાં અને દીનદયાલ ઉપાધ્યાયનું 11 ફેબ્રુઆરી 1968માં રહસ્યમય સંજોગોમાં નિધન થયું હતું.
લાલ બહાદુર શાસ્ત્રીનું નિધન 10 જાન્યુઆરી 1966માં રશિયાના તાશકંદમાં પાકિસ્તાન સાથે શાંતિ સમજૂતીના માત્ર 12 કલાક પછી 11 જાન્યુઆરીએ અચાનક થઈ ગયું હતું. તેમના મૃત્યુનું રહસ્ય અત્યારે પણ વણઉકેલ્યું છે. જય જવાન જય કિસાનનું સૂત્ર આપનાર પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ તેમનું સમગ્ર જીવન દેશ માટે સમર્પિત કરી દીધું હતું. તેમનો જન્મ 2 ઓક્ટોબર 1904માં ઉત્તર પ્રદેશના મુગલસરાયમાં થયો હતો. તેમના પિતાનું નામ મુંશી શારદા પ્રસાદ શ્રીવાસ્તવ હતું. જે પ્રાથમિક વિદ્યાલયમાં શિક્ષક હતા.
જ્યારે દીન દયાલ ઉપાધ્યાયનો મૃતદેહ 11 ફેબ્રુઆરી 1968માં મુગલસરાય રેલવે સ્ટેશન પાસેથી મળી આવ્યો હતો. માનવામાં આવે છે કે, 12 ફેબ્રુઆરી 1968માં નવી દિલ્હીમાં ભારતીય જનસંઘ સંસદીય દળની બેઠક થવાની હતી. આ દરમિયાન પટનામાં બિહાર પ્રદેશ ભારતીય જનસંઘની કાર્યકારિણીની બેઠક થવાની હતી. ત્યારે બિહાર રાજ્યના જનસંઘના તે સમયના સંગઠન મંત્રી અશ્વિન કુમારે જનસંઘના અધ્યક્ષ પંડિત દિનદયાલ ઉપાધ્યાયને બેઠકમાં સામેલ થવાની અપીલ કરી હતી. તે માટે 10 ફેબ્રુઆરીએ તેમને ફોન પણ કરવામાં આવ્યો હતો. તેમના મૃત્યુનું કારણ હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. જોકે તેમના મૃત્યુ વિશે વિવિધ અટકળો કરવામાં આવી રહી છે.