તાજેતરમાં જ પોલીસ દળમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓ અધિકારીઓ અને મહિલા કોન્સ્ટેબલ તેમજ મહિલા ડીવાય.એસ.પીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં કેટલાકે ફરજ પર હોવા છતાં પોતાનો ટિક ટોક વિડીયો બનાવી જાહેર કર્યો હતો. જેને લઈને એક મહિલા પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવી છે તો અન્ય પોલીસ કર્મચારી સામે તપાસ શરૂ થઈ છે અમુકની બદલી કરી દેવાઈ છે.
છેલ્લા અઠવાડિયા દરમિયાન જ આવા પાંચ જેટલા વીડિયો વાયરલ થયા હતા. દરમિયાનમાં બનાસકાંઠા પોલીસે એક સરકયુલર કર્યો છે જેમાં જણાવાયું છે કે પોલીસ એક શિસ્તબદ્ધ ફોર્સ છે. આથી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતે સિવિલ ડ્રેસમાં હોય કે યુનિફોર્મમાં હોય કોઈપણ પ્રકારની મનોરંજન પ્રવૃત્તિ કરીને તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરવો નહીં એટલે કે પોતાનો વિડીયો ટિક ટોક પર કે whatsappમાં કે ફેસબુક પર મૂકવો નહીં.
આવી હરકત કરવામાં આવશે તો તમારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ આદેશનું તાત્કાલિક રીતે પાલન કરવાનું રહેશે. આ પરિપત્રના અંતે એવી નોંધ મૂકવામાં આવી છે કે જો કોઈ પોલીસ કર્મચારી કે અધિકારી મનોરંજન ક્ષેત્રમાં પ્રતિભા ધરાવતા હોય અને જાહેરમાં તેનું પ્રદર્શન કરવા ઈચ્છતા હોય તો પોતાના ઉપલા અમલદારને તેની જાણ કરવી. આવા અધિકારી કે કર્મચારીઓને તેમની પ્રતિભાને નિખારવાની તક અપાશે તેમજ જાહેર કે યોગ્ય કાર્યક્રમોમાં તેઓને તક અપાશે.

