ભારતે રશિયા દુનિયાની સૌથી આધુનિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ S-400 ટ્રાયમ્ફ ઉપરાંત હવે હવાથી હવામાં જ પ્રહાર કરવામાં સક્ષમ મિસાઈલ ખરીદવા માટે સોદો કર્યો છે. આ મિસાઈલને ભારતના મુખ્ય યુદ્ધ વિમાન SU-30 MKIમાં ફિટ કરવામાં આવશે.
ભારતીય વાયુસેનાના એક સૂત્રના જણાવ્યા પ્રમાણે વાયુસેનામાં તૈનાત યુદ્ધ વિમાન SU-30 MKI માટે હવાથી હવામાં વાર કરનારી R-27 મિસાઈલ માટે રશિયા સાથે કરાર કરવામાં આવ્યો છે.
રશિયા સાથે S-400 ટ્રાયમ્ફ મિસાઈલ સિસ્ટમ ખરીદવા પર અમેરિકાના વાંધા વચકા વચ્ચે જ આ મહત્વનો સોદો કરવામાં આવ્યો છે.આ મિસાઈલ સોદો 1.500 કરોડ રૂપિયાનો હશે. આ સાથે જ મોદી સરકારે અમેરિકાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, તે કોઈ જ દબાણ સામે ઝુકશે નહીં.
આ મિસાઈલો દ્વારા ભારતીય વાયુસેના પાસે હવામાં જ લાંબા અંતર સુધી પ્રહાર કરવાની ક્ષમતા આવી જશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ વિજય દિવસ પ્રસંગે કહ્યું હતું કે, રાષ્ટ્રની સુરક્ષા મામલે અમે કોઈના દબાણમાં, પ્રભાવમાં આવીશું નહીં.
રશિયાની આ મિસાઈલને સરકારે 10-I પ્રોજેક્ટ હેઠળ ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ 10-I પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ત્રણેય સેનાઓ પાસે જરૂરી શસ્ત્રસરંજામ મળી રહે. રશિયા આ મિસાઈલોને પોતાના મિગ અને સુખોઈ શ્રેણીના યુદ્ધ વિમાનોમાં લગાવવાની તૈયારી કરી રહ્યું છે. હવે ભારત પાસે પણ મધ્યમથી લાંબા અંતર સુધી હવાથી હવામાં જ પ્રહાર કરવાની શક્તિ હાંસલ થશે.

