જમ્મુ-કાશ્મીર મામલે અફવાઓ પર ધ્યાન ન દેવા રાજ્યપાલ મલિકની અપીલ

મુખ્ય સમાચાર રાજકીય

કાશ્મીર મામલે કેન્દ્રની કાર્યવાહી અને વિવિધ સમાચારો પર રાજ્યપાલ સત્યપાલ મલિકે જનતાને શાંત રહેવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. કાશ્મીરમાં કાયદા વ્યવસ્થાની સંભાવનાઓ પર પૂછાયેલા એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, અહી ઘણી બધી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. જેની પર ધ્યાન ન આપવું. બધું જ ઠીક છે અને પરિસ્થિતિઓ સામાન્ય છે. આ મામલે રાજ્યપાલ મલિકે જણાવ્યું કે સોશિયલ મીડિયામાં વાયરલ આદેશો માન્ય નથી.

તેમણે જણાવ્યું કે, લોલ ચોકમાં કોઇ છીંક ખાય તો, રાજ્યપાલ ભવન સુધી પહોંચતા-પહોંચતા તે બોમ્બ વિસ્ફોટ બનાવી દેવામાં આવે છે. કાશ્મીરમાં કેન્દ્રીય સુરક્ષા દળોની 100 ટૂકડીઓ મોકલવાના સરકારના આદેશ પછી રાજ્ય અને દેશભરમાં કાશ્મીર મામલે વિવિધ અફવાઓએ જોર પકડ્યું હતું. જેમાં કાશ્મીર મામલે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો મોટો નિર્ણય લેવાય તેવી અફવાએ જમ્મુ-કાશ્મીર સહિત અન્ય રાજ્યોમાં હલચલ મચાવી હતી.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગૃહ મંત્રાલયમાં કાશ્મીરને લઇને વધેલી સતર્કતા અને કેન્દ્રના નિર્ણયો પર સમગ્ર દેશની નજર મંડાળી છે.

જો કે બીજી તરફ નેશનલ કોંગ્રેસ નેતા ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પર વાયરલ અફવાઓ મામલે સીબીઆઇ તપાસની માંગ કરી છે. અબ્દુલ્લાએ ટ્વિટ કરી હતી કે, રાજ્યપાલ દ્વારા ઉઠાવવામાં આવેલા આ એક ગંભીર મામલો છે. સરકારના ઉચ્ચ અધિકારીઓના હસ્તાંક્ષર સાથે જાહેર કરાયેલા આદેશ ફેલાયેલા છે, જેને એમ જ ફગાવી દેવા ન જોઇએ. આ મામલે તેમણે સીબીઆઇ તપાસની માંગ કરી હતી.