પાકિસ્તાન સૈન્યનું વિમાન તૂટી પડતાં પાંચ ક્રૂ મેમ્બર સહિત 19નાં મોત

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પાકિસ્તાની સૈન્યનું નાનું લશ્કરી વિમાન મંગળવારે વહેલી સવારી રાવલપિંડીના ગેરીસનમાં રહેણાંક વિસ્તારમાં તૂટી પડયું હતું, જેમાં પાંચ લશ્કરી જવાનો સહિત 19નાં મોત નીપજ્યાં હતાં. પાકિસ્તાની આર્મી એવિએશન વિમાન રૂટીન તાલિમ પર હતું ત્યારે મોરા કાલુ ગામના પરાંમાં તૂટી પડયું હતું, જેમાં 12 નાગરિકોનાં મોત નીપજ્યાં હતાં. વિમાન અકસ્માતને કારણે પાંચથી છ મકાનો તૂટી પડયાં હતા તેમ પાકિસ્તાની સૈન્યની મીડિયા પાંખ ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સે જણાવ્યું હતું. એક સ્થાનિક રેસ્ક્યુ પ્રવક્તાએ જણાવ્યું હતું કે 13 નાગરિકો અને પાંચ ક્રૂ મેમ્બર્સ સહિત 19 મૃતદેહોને ઘટના સ્થળેથી બહાર કઢાયા હતા જ્યારે 16 લોકોને ઈજા પહોંચી હતી. રાવલપિંડીના જિલ્લા કમિશનર અલિ રંધાવાએ જણાવ્યું કે નાનું લશ્કરી પ્લેન રાવલપિંડીમાં તાલિમ મિશન પર હતું ત્યારે આ ઘટના મોડી રાતે 2.30થી 2.40 વચ્ચે બની હતી. પાકિસ્તાની સૈન્યના અધિકારીઓ અને રેસ્ક્યુ ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પાકિસ્તાની સૈન્યે જણાવ્યું કે અકસ્માતને કારણે લાગેલી આગ પર ઝડપથી નિયંત્રણ મેળવી લેવાયું હતું અને ઈજાગ્રસ્તોને રાવલપિંડીની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. વિમાનના અકસ્માતનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. બચાવ કામગીરી સવાર સુધીમાં પૂરી થઈ ગઈ હતી. વિમાન અકસ્માત થયો તે સ્થળ બહરિઆ શહેરના પોશ વિસ્તારની નજીક છે. પાકિસ્તાનનો એર સેફ્ટી ટ્રેક રેકોર્ડ નબળો છે. વર્ષોવર્ષ નિયમિત સમયાંતરે વિમાન અને હેલિકોપ્ટરના અકસ્માત થતા રહે છે. વર્ષ 2016માં 48 વ્યક્તિને લઈ જતું પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સનું વિમાન એન્જિનની સમસ્યાને કારણે અબોટાબાદ નજીક ટેકરીવાળા વિસ્તારમાં તૂટી પડયું હતું.