બોલ ટેમ્પરિંગ કાંડ બદલ એક વર્ષનો પ્રતિબંધ ભોગવીને પુનરાગમન કરનારા ઓસ્ટ્રેલિયાના ઓપનર વોર્નરે કહ્યું છે કે, અમે જાણીએ છીએ કે, ઈંગ્લેન્ડ અમારા જખ્મો પર મીઠું નાંખવાની કોશીશ કરશે. જોકે અમે તેમનો સામનો કરવા માટે તૈયાર છીએ. અમે તેમની સામે વર્લ્ડ કપની સેમિ ફાઈનલ હારી ચૂક્યા છીએ પણ અમે હવે એશિઝ જીતીને સ્વદેશ પાછા ફરવા ઈચ્છીએ છીએ અને તે માટે અમે શક્ય તમામ પ્રયાસો કરી છુટીશું.
ઓસ્ટ્રેલિયાના આક્રમક ઓપનર વોર્નરે ઊમેર્યું કે, અમે જાણીએ છીએ કે તેઓ અમારા પર કેટલું દબાણ સર્જવાના છે. તેઓ મેદાનની અંદર અને મેદાનની બહાર પર અમારા પર તનાવ વધારવાનો પ્રયાસ કરશે, પણ અમારુ ધ્યાન માત્ર અમારી રમત પર જ રહેશે. ઓસ્ટ્રેલિયા ૨૦૦૧ બાદ ક્યારેય ઈંગ્લેન્ડની ભૂમિ પર એશિઝ ટેસ્ટ સિરીઝ જીતી શક્યું નથી તેનો ઉલ્લેખ કરતાં વોર્નરે કહ્યું કે, અમે આ વખતે ઈતિહાસ રચવાનો ઈરાદો લઈને આવ્યા છીએ. અમારી પાસે ઘણા સારા ક્રિકેટરો છે. બોલિંગમાં પણ અમારી પાસે સારા વિકલ્પો તૈયાર છે. અમે શેફિલ્ડ શિલ્ડ લેવલે ડયુક બોલથી રમવાનું શરુ કર્યું છે અને તેનો ફાયદો મળશે તેમ લાગી રહ્યુ છે.
ઈંગ્લેન્ડની પરિસ્થિતિને અત્યંત પડકારજનક ગણાવતા વોર્નરે ઊમેર્યું કે, અહી બેટ્સમેનો માટે રન સ્કોર કરવા આસાન નથી. બોલ ખુબ જ સ્વિંગ થાય છે. પીચ સ્વિંગ અને સીમ બોલિંગને મદદગાર સાબિત થતી હોય છે, જેના પરીણામે બેટ્સમેનોએ સતર્ક રહેવું પડશે. વર્લ્ડ કપની સેમિ ફાઈનલની હારને યાદ કરતાં વોર્નરે કહ્યું કે, અમે ખુબ જ ઉત્સાહિત છીએ. ખાસ કરીને વર્લ્ડ કપની સેમિ ફાઈનલની હાર બાદ અમે ઈંગ્લેન્ડ સામે વધુ સારો દેખાવ કરવા માટે મક્કમ બન્યા છીએ.