ભારતીય બેડમિંટનની સિલ્વર સ્ટાર પી.વી. સિંધુ ફરી વખત ફાઈનલમાં હારતાં ઈન્ડોનેશિયા ઓપનમાં રનર્સઅપ બની હતી. જકાર્તામાં રમાયેલી ઈન્ડોનેશિયા ઓપન સુપર ૧૦૦૦ ટુર્નામેન્ટની ફાઈનલમાં સિંધુનો જાપાનની ૨૨ વર્ષીય ખેલાડી યામાગુચી સામે ૧૫-૨૧, ૧૬-૨૧થી પરાજય થયો હતો. આ સાથે સિંધુનો ચાલુ વર્ષના પહેલા ટાઈટલનો ઈંતજાર હજુ વધુ લંબાયો છે. સિંધુએ ફાઈનલમાં ૫૧ મિનિટનો સંઘર્ષ કર્યો હતો. જોકે તે વિજયી પ્રભુત્વ દેખાડી શકી નહતી.
યામાગુચી સામે છેલ્લા ચાર મુકાબલા જીતી ચૂકેલી સિંધુ ફાઈનલમાં આગવી લયમાં રમી શકી નહતી. જ્યારે યામાગુચીએ આ સાથે સિંધુ સામે હારનો સિલસિલો અટકાવતા જીત હાસલ કરી હતી. સિંધુએ કહ્યું કે, યામાગુચીએ ઘણી જ સારી રમત દર્શાવી અને અમારી વચ્ચેની રેલિસ ઘણી લાંબી ચાલી હતી. પહેલી ગેમમાં હું ૨-૩ પોઈન્ટની સરસાઈ ધરાવતી હતી, ત્યારે મેં કેટલીક ભૂલો કરી અને તેનો ફાયદો તેણે ઉઠાવ્યો. જો હું પહેલી ગેમ જીતી ચૂકી હોત તો મેચનું પરીણામ અલગ આવે તેમ હતુ. સિંધુએ ઊમેર્યું કે, બીજી ગેમમાં પણ મેં કેટલીક ભૂલો કરી અને તેના કારણે તેણે પાંચ-છ પોઈન્ટની સરસાઈ મેળવી લીધી હતી, જેના કારણે મેચમાં પાછા ફરવાના રસ્તા બંધ થઈ ગયા હતા. આમ છતાં ઓવરઓલ આ ટુર્નામેન્ટ મારા માટે હકારાત્મક રહી અને હું અહીથી વધુ આત્મવિશ્વાસ સાથે આગળ વધીશ. યામાગુચી સામેની ૧૫મી મેચમાં સિંધુનો આ પાંચમો પરાજય હતો.
સિંધુએ ગત વર્ષે ડિસેમ્બરમાં વર્લ્ડ ટૂર ફાઈનલ્સ ટુર્નામેન્ટ જીતનારી ભારતની સૌપ્રથમ ખેલાડી તરીકેનું ગૌરવ મેળવ્યું હતુ. જોકે ત્યાર બાદ તે હજુ સુધી એક પણ ટાઈટલ મેળવી શકી નથી. વર્લ્ડ ચેમ્પિયનશીપ, એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ તેમજ ગત વર્ષની થાઈલેન્ડ અને ઈન્ડિયા ઓપનની ફાઈનલમાં સિંધુને હારનો સામનો કરવો પડયો છે. ચાલુ વર્ષે તે સિંગાપોર અને ઈન્ડિયા ઓપનની સેમિ ફાઈનલમાં હારી હતી. આ તેની વર્ષ ૨૦૧૯ની સિઝનની સૌપ્રથમ ફાઈનલ હતી.