પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અમેરિકાની તેમની પ્રથમ મુલાકાત માટે વોશિંગ્ટન આવી પહોંચ્યા હતા. જોકે, અમેરિકા સાથે તેના સંબંધો એટલી હદે કથળી ગયા છે કે એરપોર્ટ પર પાકિસ્તાની વડાપ્રધાનને આવકારવા માટે અમેરિકાના કોઈ અધિકારી પણ હાજર રહ્યા નહોતા. જોકે, પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી અને પાકિસ્તાન દૂતાવાસના કેટલાક અધિકારીઓ ત્યાં હાજર હતા.
ઈમરાન ખાન સોમવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે અને અમેરિકા સાથે કથળેલા દ્વિપક્ષીય સંબંધો ફરીથી સુધારવા માટે ચર્ચા કરશે. તેઓ ટ્રમ્પ સાથે બંને દેશો વચ્ચે સંરક્ષણ, વેપાર અને નાણાકીય સહાય જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. અમેરિકન પ્રમુખે જાહેરમાં ઈસ્લામાબાદની ટીકાઓ શરૂ કરતાં, લશ્કરી સહાય રદ કરતા અને પાકિસ્તાનની ધરતી પરથી ત્રાસવાદને દૂર કરવા માટે વધુ નક્કર પગલાં લેવાનું જણાવ્યા પછી છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો કથળ્યા છે. અમેરિકા પ્રવાસ માટે સામાન્ય કમર્શિયલ ફ્લાઈટમાં આવેલા પાકિસ્તાની વડાપ્રધાને એરપોર્ટ પર ઉતર્યા બાદ સીધા જ મેટ્રોમાં રવાના થયા હતા. મેટ્રોમાં પ્રવાસ દરમિયાન પાકિસ્તાની મૂળના કેટલાક લોકો તેમની સાથે હતા.
નાંણાંભીડમાં સપડાયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ત્રણ દિવસના અમેરિકાના તેમના પ્રવાસમાં નાંણાંની બચત માટે હોટેલના બદલે પાકિસ્તાની રાજદૂત અસદ મજીદ ખાનના ઘરે જ રોકાણ કરશે. દરમિયાન ઈમરાન ખાનના કમર્શિયલ ફ્લાઈટ અને મેટ્રોમાં પ્રવાસ, રાજદૂતના ઘરે રોકાણ જેવા પગલાંને પાકિસ્તાનમાં લોકોએ આવકાર્યા છે. લોકોએ તેને ઈમરાન ખાનની સાદગી ગણાવી છે.
પાકિસ્તાની વડાપ્રધાન સોમવારે વ્હાઈટ હાઉસમાં પ્રમુખ ટ્રમ્પને મળશે ત્યારે અમેરિકન લીડરશીપ તેમના પર પાકિસ્તાનની ધરતી પર ચાલતા ત્રાસવાદી જૂથો અને આતંકીઓ સામે નક્કર પગલાં લેવા અને અફઘાનીસ્તાનમાં તાલિબાન સાથે શાંતિ વાટાઘાટો માટે પ્રયાસ કરવા દબાણ કરશે તેમ મનાય છે.
છેલ્લે નવાઝ શરીફે ઓક્ટોબર 2015માં પાકિસ્તાની વડાપ્રધાન તરીકે અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન ઈમરાન ખાન ઓવર ઓફિસમાં ટ્રમ્પ સાથે વન-ટુ-વન મીટિંગ કરશે તેમજ વ્હાઈટ હાઉસમાં પ્રતિનિધિમંડળને મળશે અને યુએસ કેપિટોલ હિલમાં ધારાસભ્યોને પણ મળશે.