શ્રીલંકાનો ૩૫ વર્ષીય લેજન્ડરી ફાસ્ટ બોલર મલિંગા આજે કારકિર્દીની આખરી વન ડે રમવા બાંગ્લાદેશ સામે મેદાન પર ઉતરશે. શ્રીલંકા તેના દિગ્ગજ ફાસ્ટ બોલરને વિદાય વેળાએ વિજયની ભેટ આપવા માટે ઉત્સુક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રતિસ્પર્ધા તીવ્ર બની છે, જેના કારણે આવતીકાલે ભારે રોમાંચક મુકાબલો જોવા મળી શકે છે. જોકે ઘરઆંગણાના મેદાન પર શ્રીલંકાનો દબદબો રહ્યો છે. કોલંબોનો પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારતીય સમય પ્રમાણે આવતીકાલે બપોરે ૨.૩૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લા ૧૫ વર્ષમાં શ્રીલંકા તરફથી સાતત્યભર્યો દેખાવ કરનારો મલિંગા ટેસ્ટ ક્રિકેટમાંથી અગાઉ જ નિવૃત્તિ જાહેર કરી ચૂક્યો છે. તેણે ૧૭મી જુલાઈ, ૨૦૦૪ના રોજ દમ્બુલ્લામાં યુએઈ સામે એશિયા કપ અંતર્ગતની વન ડેમાં સૌપ્રથમ વખત રમવા ઉતર્યો હતો. જે પછી આવતીકાલે તે કારકિર્દીની અંતિમ વન ડે રમવા ઉતરશે, ત્યાં સુધીમાં તેણે ૨૨૫ વન ડેમાં ૩૩૫ વિકેટ ઝડપી લીધી છે. તાજેતરમાં પુરા થયેલા વર્લ્ડ કપમાં મલિંગાએ ૧૩ વિકેટ ઝડપીને ફોર્મ સાબિત કર્યું હતુ.
મલિંગા બાંગ્લાદેશ સામે કુલ મળને ૧૪ વન ડે રમ્યો છે, જેમાંથી ૧૦માં શ્રીલંકા વિજેતા બન્યું છે, જ્યારે માત્ર ત્રણમાં જ તેઓ હાર્યા છે. એક મેચ પડતી મૂકવામાં આવી હતી. બાંગ્લાદેશની ટીમ તેના નિયમિત કેપ્ટન મોર્તઝા, ઓલરાઉન્ડર શાકિબ અને બેટ્સમેન લિટ્ટન દાસ વિના જ શ્રીલંકાની સફર ખેડી રહ્યું છે. જોકે તમીમ ઇકબાલ, રહીમ, મુસ્તફિઝુર રહમાન જેવા ખેલાડીઓ મેચનું પાસુ પલ્ટી નાંખી શકે છે.