વર્લ્ડકપ પછી બાંગરે પહેલીવાર મૌન તોડ્યું, કહ્યું- ધોનીને 7 નંબર ઉપર ઉતારવાનો નિર્ણય મારા એકલાનો ન હતો

ખેલ-જગત મુખ્ય સમાચાર

વર્લ્ડકપ દરમિયાન ધોનીને ચોથા કે પાંચમાં નંબરે ઉતારવાની જગ્યાએ સાતમાં નંબર પર ઉતારવા અંગે ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સંજય બાંગરે ચુપ્પી તોડી છે. બાંગરે હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.

ટીમની સહમતિથી નિર્ણય કરાયોઃ ઈન્ડિયન ક્રિકેટ ટીમના બેટિંગ કોચ બાંગરે હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ટીમમાં દરેક મેમ્બરની સહમતીથી તમામ નિર્ણય લેવામાં આવે છે. હાં, અમે નક્કી કર્યું હતું કે, મિડલ ઓર્ડરની બેટિંગ દ્વારા 30થી 40 ઓવરની અંદર વધુમાં વધુ રન બનાવીશું.

ધોનીએ સારા રન કર્યા હોત તો જીત પાક્કી હતીઃ કોચ બાંગરે વધુમાં કહ્યું કે, સેમીફાઈનલમાં ટાર્ગેટ હાંસિલ કર્યા પહેલા જ અમે શરૂઆતની 30-40 મિનીટમાં ત્રણ મહત્વની વિકેટને ગુમાવી દીધી હતી. પરંતુ ટીમે મેચની છેલ્લી ઘડી સુધી સંઘર્ષ કર્યો હતો. મહત્વનું છે કે જો ધોનીએ સારા એવા રન બનાવી લીધા હોત, તો મેચમાં જીત પાક્કી હતી.

વિરાટ કોહલીએ સેમીફાઈનલ બાદ પ્રેસ કોન્ફરન્સમાં એવું પણ કહ્યું હતું કે, અફઘાનિસ્તાન સામેની મેચ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ધોની નીચેના નંબરોમાં પણ બેટિંગ કરી શકે છે. જો કે આ પહેલા તે પાંચ નંબર પર બેટિંગ કરતા હતો. ધોની ડેથ ઓવર્સમાં સારા રન કરી શકે છે અને પોતાના અનુભવને ધ્યાનમાં રાખીને બેટિંગ કરે છે. તેથી તેમને સેમીફાઈનલમાં 7માં નંબરે બેટિંગ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. જે ટીમની સહમતિથી લેવાયેલો નિર્ણય હતો.

સેમીફાઈનલમાં હાર મળ્યા બાદ ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ પણ કહ્યું હતું કે, ટીમ ઈચ્છતી હતી કે ધોની નીચલા ક્રમે બેટિંગ કરે અને તેની ફિનીશીંગનો ફાયદો ઉઠાવીને મેચમાં અદભૂત પ્રદર્શન કરી ટીમને જીત અપાવે. શાસ્ત્રીએ એવું પણ કહ્યું હતું કે જો અમે આવું ન કરતા તો અમે ધોનીની ફિનીશીંગની ક્ષમતા સાથે ન્યાય ન કરી શકત.

વર્લ્ડકપ 2019માં ભારત ન્યૂઝીલેન્ડ સામે હાર્યુઃ વર્લ્ડકપના સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારીને ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ હતી. ત્યારબાદ ટીમના પ્રદર્શન પર આંગળી ચિંધાતી હતી. ધોનીને નીચલા ક્રમે મોકલવા અંગે પણ સતત સવાલો ઉઠી રહ્યા હતા.