જમ્મુ કશ્મીરમાં કેન્દ્ર સરકારે મોકલેલી વધારાના સિક્યોરિટી કુમક અને અમરનાથ તેમજ વૈષ્ણો દેવી યાત્રા મોકૂફ રાખીને પર્યટકોને તરત બહાર નીકળી જવાની તાકીદ કરાતાં ડરનું વાતાવરણ સર્જાયું હતું. જાતજાતની વાતો વહેતી થઇ હતી.
સ્થાનિક પ્રજા એટલી ડરી ગઇ હતી કે પેટ્રોલ પંપ, એટીએમ અને જીવનજરૂરી ચીજોની દુકાનો પર લાંબી લાંબી કતાર લાગી હતી. લોકો જીવન જરૂરી ચીજો ભરવા દોડાદોડ કરતાં નજરે પડતાં હતાં.
દરમિયાન, કેન્દ્ર સરકારની સૂચનાથી વિવિધ એરલાઇન્સે કેન્સલેશન ચાર્જિસ રદ કરવાની અને જમ્મુ કશ્મીરમાં ફસાયેલ ાપર્યટકોને પાછાં લાવવા વધુ ફ્લાઇટ્સ દોડાવવાની જાહેરાત કરી હતી. કશ્મીર ખીણ વિસ્તારમાં સૌથી વધુ પ્રવાસીઓ અટવાયા હતા. શ્રીનગરની નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેક્નોલોજીએ એક ખાસ આદેશ પ્રગટ કરીને તમામ અભ્યાસક્રમોના વર્ગો રદ કરાયા હોવાની જાહેરાત કરી હતી.
સ્થાનિક પોલીસ વડા અને લશ્કરી પ્રવક્તાએ આતંકવાદી હુમલાની મળેલી બાતમીને આ પરિસ્થિતિ માટે જવાબદાર ગણાવી હતી. પરંતુ લોકો માનવા તૈયાર નહોતા કારણ કે ખીણ વિસ્તારમાં આતંકવાદનું ખાસ્સું જોર હતું અને લગભગ રોજ સિક્યોરિટી સાથે અથડામણ થતી હતી ત્યારે પણ આટલા કડક આદેશો અપાયા નહોતો.

