મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છેવાડાના ગરીબ માનવીને આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સરકારે નવી હેલ્થ પોલીસી બનાવી છે. જેમાં જે કોઇ સંસ્થા સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ શરૂ કરે તેમાં ૨૫ ટકા સબસીડી રાજય સરકાર દ્વારા આપવામાં આવશે. ઉપરાંત હોસ્પિટલની વ્યવસ્થા અને વ્યવસ્થિત ચલાવવા માટે પણ આર્થિક સહયોગ પ્રદાન કરશે તેમ જણાવ્યું હતું.
ભુજ ખાતે કચ્છી લેવા પટેલ એજયુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત રૂ.૧૨૫ કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ થનાર કે.કે.પટેલ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલના કાર્યક્રમનું ખાતમૂહૂર્ત કર્યા બાદ સંબોધી રહયાં હતાં.
વિજય રૂપાણીએ જણાવ્યું કે, અગાઉ મેડિકલ કોલેજોમાં ફકત ૯૦૦ સીટ હતી આજે ૫૫૦૦ સીટોનું નિર્માણ કરીને ડોકટરોની ખાધ પૂર્ણ કરવા સરકારના પ્રયત્નો ચાલુ છે ત્યારે સરકાર જે રીતે દર્દીઓને ‘‘મા અમૃતમ’’ જેવી યોજના થકી મફત સારવાર આપી રહી છે તેવી રીતે આ સંસ્થા પણ આ દિશામાં વિચારે.
કચ્છમાં ભૂકંપ, વાવાઝોડું, દુષ્કાળ જેવી અનેક આફતોમાં પણ કચ્છનું ખમીર ડગ્યુ નથી, કચ્છી પટેલ સમાજ, દિલદાર, ભોળા મહેનતું અને સ્વબળે આગળ આવ્યા છે અને વતનનો પોકાર સાંભળીને આરોગ્ય ક્ષેત્રે જે સુવિધા ઉભી કરવા જઇ રહયાં છે તે આવકારદાયક પગલું છે આ ઈશ્વરીય અને સારું કામ છે સરકારે કરવાનું કામ કોઇ સંસ્થા કરે છે તેમાં રાજય સરકાર ચોકકસ સહાયરૂપ થશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કચ્છીઓ અને બિનનિવાસી કચ્છીઓ દ્વારા સાહસિકવૃતિથી રોજગારધંધા અને ઉદ્યોગોના વિકાસમાં પોતાનું યોગદાન આપી ગુજરાતના પ્રગતિશીલ જિલ્લા તરીકે કચ્છને પણ સ્થાન અપાવ્યું હોવાનું જણાવ્યું હતું. અંધારીયા ખંડ તરીકે ઓળખાતા આફ્રિકા ખંડમાં પણ પરસેવો પાડીને કચ્છ જિલ્લાની આગવી ઓળખ ઊભી કરી છે. કચ્છીમાડુઓએ પોતાના સાહસ અને ખમીરથી ગુજરાતનો શીરમોર જિલ્લો બનાવ્યો છે.
દાતાઓ અને શ્રેષ્ઠીઓના સહયોગથી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના નિર્માણની સાથે કચ્છ જિલ્લામાં આરોગ્યની સેવાઓ વધુ સુગમ બનશે તેવો વિશ્વાસ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વ્યક્ત કર્યો છે. આ હોસ્પિટલના નિર્માણથીકચ્છમાં આરોગ્ય સેવાઓ ઘર આંગણે પ્રાપ્ત થશે. આ હોસ્પિટલ ફક્ત પટેલ સમાજ માટે જ નહીં પરંતુ તમામ ૨૧ લાખ કચ્છીઓને પણ આરોગ્ય સેવા પ્રાપ્ત થશે તેમ પણ વધુમાં તેમણે જણાવ્યું હતું.

