સુરત: ઓલપાડમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 12 ઈંચ વરસાદ, પૂરની સ્થિતિ

ગુજરાત મુખ્ય સમાચાર

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. સુરતના ઓલપાડ વિસ્તારમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.

ઓલપાડમાં આભ ફાટ્યું હોય તેમ 4 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબકતાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. રસ્તા પાણીમાં ગરકાવ થઈ જતાં જળાશય બની ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ઓલપાડનો હાથીસા રોડ સંપર્ક વિહોણો થઈ ગયો છે તેના પરથી પાણી ફરી વળ્યાં છે. ભારે વરસાદથી 25 ગામોને અસર પહોંચી છે અને કુલ 1261 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

ભારે વરસાદ થતા ઓલપાડના GIDC વિસ્તારમાં પાણી ભરાયા છે. GIDCના શોપિંગ સેન્ટરોના ગ્રાઉન્ડફ્લોરમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જ્યારે દુકાનોમાં પાણી ઘુસતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. હાલમાં વેપારીઓ દુકાનમાં મુકવામાં આવેલ માલ સામાનને બચાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. દુકાનની અંદર પાણી ઘુસતા તંત્ર સામે રોષ જોવા મળ્યો છે.

કીમ નદી ભયજનક સપાટી વટાવીને ઓવરફ્લો થતાં ઓલપાડ અને કીમ નદીની આસપાસના ગામડાઓને એલર્ટ પર મુકી દેવામાં આવ્યાં છે. ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ થયુ છે અને વડોદરામાંથી NDRFની એક ટીમ સુરતમાં મોકલવામાં આવી છે.

અઠવાલાઈન્સ વિસ્તારમાં રોડ પર અને પુણા કેનાલ રોડ પર ભુવો પડ્યો

અઠવાલાઈન્સ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ઉંડો ભુવો પડ્યો હતો. પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ભુવો પડતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. સાથે જ ભુવો પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અઠવાલાઈન્સ ઉપરાંત પુણા કેનાલ રોડ પર 10 ફૂટ ઉંડો ભુવો પડ્યો હતો.

વલસાડમાં 24 કલાકમાં 9 ઈંચ વરસાદ, કપરડામાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ

જિલ્લાના વાપીમાં 24 કલાકમાં 9 ઇંચ વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયા છે. ભારે વરસાદને લીધે તારાજી સર્જાઈ હતી. ક્યાંક નાના મોટા ઝાડ પડવાના અને ઘરોમાં પાણી ભરાવાના બનાવો પણ બન્યા હતા. સમગ્ર જિલ્લામાં પારડી, કપરડામાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ વરસ્યો છે. જેને લઇને સમગ્ર જિલ્લામાં જનજીવન ઠપ્પ થઇ ગયું છે.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કાકડકુવા ગામે ભારે વરસાદના કારણે કેટલાક કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. તેમજ અહીંના રોડ પર પણ પાણી ફરી વળ્યા છે. ત્યારે અહીંના રોડ પર વિદ્યાર્થીઓને લઈને જતી એક મારુતિ વાન ફસાઇ ગઇ હતી જેમાં 11 બાળકો જીવન અને મૃત્યુ વચ્ચે જો ખાઈ રહ્યા હતા જેમને એનડીઆરએફની ટીમે સફળતાપૂર્વક ઉગારી લીધા હતા.