શ્રીનગર- નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ મંગળવારે કહ્યું કે મને મારા ઘરમાં નજરબંધ કરીને રાખવામાં આવ્યો હતો. મને એ જાણીને દુખ થયું કે ગૃહમંત્રી આ રીતે ખોટુ બોલી શકે છે. ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કહ્યું હતું કે અબ્દુલ્લાને નજરબંધ નથી કરવામાં આવ્યા.
અબ્દુલ્લાએ કહ્યું- મારા દરવાજા પર એક મોટુ તાળુ લાગેલુ છે. ગૃહમંત્રીએ મને કહ્યું કે મને નજરબંધ કરવામાં નથી આવ્યો. પછી તમે કોણ છો જે મને બંદી બનાવી રહ્યા છો ? જ્યારે મારુ રાજ્ય સળગી રહ્યું હોય અને મારા લોકોને જેલમાં નાખવામાં આવી રહ્યા હોય આવા સમયમાં હું કેવી રીતે મારી મરજીથી ઘરમાં રહેવાનું પસંદ કરીશ. આ એ ભારત નથી જેના પર અમે વિશ્વાસ કરીએ છીએ.
શાહે કહ્યું- ફારુક મોજમસ્તીમાં છે
જમ્મૂ કાશ્મીર બિલ પર ચર્ચા શરુ થવાના અમુક સમય પહેલા જ એનસીપીના નેતા સુપ્રિયા સુલેએ ફારુકની ગેરહાજરીને લઇને સવાલ કર્યો હતો. તેના પર શાહે કહ્યું, ”હું એ સ્પષ્ટ કરી દેવા માગુ છું કે ફારુક અબ્દુલ્લાજી તેમના ઘરે છે. તેમની ધરપકડ પણ નથી થઇ અને નજરબંધ પણ કરવામાં નથી આવ્યા. તેમનું સ્વાસ્થ્ય પણ ઠીક છે. તેઓ મોજમસ્તીમાં છે. તેમને અહીંયા ન આવવું હોય તો લમણે બંદૂક રાખીને બહાર ન લાવી શકીએ. ”

