પાકિસ્તાને એર સ્પેસનો એક કોરિડોર બંધ કર્યો, એર ઈન્ડિયાએ કહ્યું- તેનાથી વધારે ફેર નથી પડતો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ઈસ્લામાબાદ: જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવ્યા પછી પાકિસ્તાને ફરી એક વાર તેમના એર સ્પેસ પરપ્રતિબંધ લગાવવાની શરૂઆત કરી દીધી છે. પાકિસ્તાને બુધવાર રાતથી એર સ્પેસનો એક કોરિડોર બંધ કરી દીધો છે. તેની અસર એ થશે કે અમેરિકા, યુરોપ અને મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) જતી ફ્લાઈટને 12 મિનિટનો સમય વધારે લાગશે.

એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું છે કે, એક પાકિસ્તાની કોરિડોરને બંધ કરવાની ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે. તેનાથી 12 મિનિટનો સમય વધારે લાગશે. પરંતુ તેની વધારે અસર નહીં થાય. હાલ પાકિસ્તાની એરસ્પેસથી રોજની 50 ફ્લાઈટ સંચાલિત થાય છે.

ભારતે કાશ્મીર નિર્ણયની માહિતી અમેરિકાને નથી આપી
પાકિસ્તાને બુધવારે ભારત સાથે દ્વીપક્ષીય વેપાર ખતમ કરવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન ઈમરાન ખાને બુધવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં આ નિર્ણય લીધો છે. પાકિસ્તાન સરકારે ભારતીય એમ્બેસેડર અજય બિસારિયાને પરત મોકલી દીધો છે. આ દરમિયાન ટ્રમ્પ સરકારે કહ્યું છે કે, ભારત સરકારે કાશ્મીર વિશે લીધેલા નિર્ણય વિશે કોઈ માહિતી આપી નથી.

એનએસસી બેઠકમાં 5 મહત્વના નિર્ણય લેવામાં આવ્યા

રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (એનએસસી)એ કહ્યું- પાકિસ્તાન ભારતના આ નિર્ણયની નિંદા કરે છે. આ નિર્ણયથી ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય શાંતિથી ઉંધો પ્રભાવ પડશે. આ બેઠકમાં 5 મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.

1. રાજકીય સંબંધોને ઓછા કરવા
2. દ્વીપક્ષીય વેપાર સંબંધો ખતમ કરવા
3. દ્વીપક્ષીય વ્યવસ્થાઓની સમીક્ષા કરવી
4. કાશ્મીર પર નિર્ણયનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર લઈ જવો
5. 14 ઓગસ્ટના દિવસને કાશ્મીરીઓ સાથે મજબૂતીથી ઉભા રહેવા માટે યાદ કરવામાં આવશે. 15 ઓગસ્ટને બ્લેક-ડે તરીકે મનાવવામાં આવશે.

એર સ્ટ્રાઈક પછી પણ પાકિસ્તાને એર સ્પેસ બંધ કરી હતી

પાકિસ્તાને આ પહેલાં પણ બાલાકોટ એરસ્ટ્રાઈક પછી 27 ફેબ્રુઆરીથી એરસ્પેસ બંધ કરી હતી. તેને 139 દિવસ પછી 18 જુલાઈએ ફરી ખોલવામાં આવી હતી. એર સ્પેસ બંધ હતી તે દરમિયાન યુરોપ અને ખાડી દેશો તરફ જતી બધી ફ્લાઈટ ગુજરાત ઉપરથી અરબ સાગર પાર કરીને જઈ રહી હતી.
ગયા મહિને વડાપ્રધાન મોદીને એસસીઓ સમિટમાં ભાગ લેવા માટે કિર્ગિસ્તાન જવાનું હતું. ત્યારે પાકિસ્તાને મોદી માટે 48 કલાક માટે તેમની એરસ્પેસ ખોલી હતી પરંતુ મોદીએ પાકિસ્તાન એરસ્પેસનો ઉપયોગ નહતો કર્યો.