મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે ગાંધીનગરમાં ગુરૂવારે બપોરે ‘સંકલ્પ સે સિધ્ધી કી ઓર અગ્રેસર’ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
મુખ્યમંત્રી દ્વારા પાંચ નવી યોજના જાહેર થશે. જેમાં Ph.D કરનારા 1000 વિદ્યાર્થીઓને ‘મુખ્યમંત્રી સંશોધન પ્રોત્સાહન યોજના’ હેઠળ મહિને સરકાર રૂ.15,000નું સ્ટાઈપેન્ડ આપશે. કેબિનેટની બેઠકમાં તેની રૂપરેખાને મંજૂરી આપવામાં આવી છે.
અગાઉ કાર્યક્રમ ૭મી ઓગસ્ટને બુધવારે યોજાવાનો હતો. પરંતુ, મંગળવારે રાત્રે પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું નિધન થતા મહાત્મા મંદિરમાં ચાલી રહેલી તૈયારીઓ સરકારે સ્થગિત કરી હતી.
બુધવારે સવારે કેબિનેટની બેઠકમાં સરકારના ત્રણ વર્ષ નિમિત્તે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સ્તરેથી તૈયાર કરાયેલી પાંચ યોજનાની જાહેરાત- અમલ માટે ગુરૂવારે બપોરે એક કલાકે મહાત્મા મંદિરમાં આયોજન કરાયુ છે.
આ કાર્યક્રમમાં મંત્રીમંડળના સભ્યો ઉપરાંત, ધારાસભ્યો, ઉદ્યોગપતિ, સામાજિક, ધાર્મિક આગેવાનો સહિત ખેડૂતો, વિદ્યાર્થીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહશે. જેની સમક્ષ પાંચેય યોજનાઓની જાહેરાત કરાશે. સરકારની ઉપલબ્ધીઓ અને યોજનાની જાણકારીનું એક્ઝિબિશન યોજાશે.
આજે જાહેર થનારી પાંચ યોજના
CM સંશોધન પ્રોત્સાહન યોજના : ગુજરાતમાં જે વિદ્યાર્થી, સંશોધકો Ph.D કરે છે તેમને મહિને રૂ. 15,000નું સ્ટાઈપેન્ડ મળશે. સરકાર બે વર્ષ માટે Ph.D કરનારને બે લાખની સહાય આપશે. પહેલા તબક્કે આ વર્ષે 1000ની પસંદગી કરાશે.
4G એનેબલ્ડ નમો ઈ-ટેબલેટ : ધોરણ- 10 અને ધોરણ -12 પછી વિવિધ શૈક્ષણિક ર્કોર્સિસમાં અભ્યાસરત ત્રણ લાખ વિદ્યાર્થીઓને રૂ.1000ના ટોકન દરે ફોરજી એનેબલ્ડ નમો ઈ-ટેબલેટના વિતરણનો આરંભ પણ મહાત્મા મંદિરના પ્લેટફોર્મથી થશે.
ખેડૂતોને સાધન સહાયનું વિતરણ : બજેટના છેલ્લા દિવસે સરકારે કૃષિક્ષેત્રે ખેડૂતોને આપવામા આપવામા આવતી સાધન સહાયમાં ઐતિહાસિક વધારો કર્યાનું જાહેર થયુ હતુ. તેનો અમલ પણ સાધન સહાય વિતરણની સાથે મહાત્મા મંદિરથી થશે.
નવી રૂફટોપ સોલાર નીતિની જાહેરાત : સરકારે એક જ વર્ષમાં બે લાખ સરકારી- ખાનગી આવાસ પર સોલાર પેનલ્સથી વૈકલ્પિક ઉર્જા ઉત્પાદનક્ષેત્રે અગ્રેસર રહેવા લક્ષ્યાંક તૈયાર કર્યો છે. મુખ્યમંત્રી નવી રૂફટોપ સોલાર પોલિસીની જાહેરાત કરશે.
ખાનગી ઝૂંપડપટ્ટીનું પુનઃવસન કરાશે : શહેરોમાં ખાનગી જમીન ઉપર રહેતા ઝુંપડાવાસીઓના પુનઃવસન માટે સરકારે ખાસ નીતિ તૈયાર કરી છે.જાહેરાત સાથે આ નવી નીતિ અમલમાં મુકાશે. પીપીપી મોડથી ઝુંપડાવાસીઓને ઘરનું ઘર આપવા સરકાર પ્રોત્સાહનો પુરા પાડશે.
CM હાઉસમાં દર મહિને ‘મનની મોકળાશ’ કાર્યક્રમ
પ્રજા સાથે સીધો સંવાદ રચી તેમના સૂચનો, પ્રશ્નોથી અવગત થવા મુખ્યમંત્રી વિજય રૂપાણી દરમહિને ગાંધીનગર સ્થિત ‘મની મોકળાશ’ કાર્યક્રમ યોજશે. મહિનામાં એક વખત આ કાર્યક્રમ થકી મુખ્યમંત્રી નિવાસસ્થાને નાગરીકો, શ્રમિકો, આદિવાસીઓ, ખેડૂતો, શિક્ષણવિદોને આમંત્રિત કરાશે. આ પ્રકારના સંવાદ થકી સરકારી યોજનાઓના લાભો વધુ સરળતાથી છેવાડાના નાગરીકો સુધી પહોંચતા કરાશે.