શું સશક્ત રાષ્ટ્રવાદથી વિશ્વમાં કોઈ વિવાદ ઉકેલાયો છે : ચિદમ્બરમ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ગૃહ મંત્રી પી ચિદમ્બરમે ગુરુવારે કેન્દ્ર સરકાર પર જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણય પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, શું સશક્ત રાષ્ટ્રવાદથી વિશ્વમાં કોઈ વિવાદનો ઉકેલ લાવી શકાય છે.

કેન્દ્ર સરકારે સોમવારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા માટે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ રાજ્યસભામાં બહુમત સાથે પસાર કરાવ્યું હતું તેમજ લોકસભામાં બીજા દિવસે આ બિલ પસાર થયું હતું. આ સાથે જ રાષ્ટ્રપતિએ મોદી સરકારના પ્રસ્તાવિત સંકલ્પને મંજૂરી આપતા જમ્મુ અને કાશ્મીરનો વિશેષ રાજ્યનો અધિકાર ખતમ થયો હતો અને તે મુખ્ય ધારામાં આવ્યું હતું. કેન્દ્રે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખનું બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજન કર્યું હતું જેમાં જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા અસ્તિત્વમાં રહેશે.

પૂર્વ કોંગ્રેસી ગૃહ મંત્રી ચિદમ્બરમે પૂર્વ સરકારી અધિકારી શાહ ફૈઝલની ટિપ્પણીને ટાંકીને સરકાર પર પ્રહાર કર્યો હતો. શાહ ફૈઝલ યુપીએસસી પરીક્ષામાં પ્રથમ ક્રમે ઉત્તિર્ણ થયો હતો અને આઈએએસ તરીકે સેવામાં જોડાયો હતો. ફૈઝલે સરકારના કલમ 370ના નિર્ણયને જમ્મુ અને કાશ્મીર સાથે સૌથી મોટો વિશ્વાસઘાત ગણાવ્યો હતો. ચિદમ્બરમે સરકારના જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો છીનવવા મામલે સંખ્યાબંધ ટ્વીટ કર્યા હતા. તેમણે ઉમેર્યું કે જો શાહ ફૈઝલ આવું વિચારતો હોય તો જમ્મુ અને કાશ્મીરના હજારો સામાન્ય લોકો શું વિચારતા હશે. ચિદમ્બરે સવાલ ઊભો કરતા પૂછ્યું કે શું પ્રખર રાષ્ટ્રવાદથી વિશ્વમાં કોઈ સમસ્યાનો ઉકેલ લાવી શકાયો છે.a