50 વર્ષનો યોગાનુયોગ : વલસાડમાં જે જીતે તેની સરકાર બને

ગુજરાત રાજકીય

કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ 2019ની લોકસભાની ચૂંટણીનું રણશીંગું વલસાડનાં ધરમપુરથી ફૂંકયું છે ત્યારે વલસાડ લોકસભા બેઠક પરથી જે પક્ષનો ઉમેદવાર જીતે છે તેની સરકાર બને છે એવો યોગાનુયોગ સ્વ. ઇન્દિરા ગાંધીથી ચાલ્યો આવે છે. જોકે અહીં જ્યારે અપક્ષ કે કૉંગ્રેસ ભાજપ સિવાયનો ઉમેદવાર જીતે ત્યારે સંયુક્ત સરકાર બની હોવાનો પણ અનોખો યોગાનુયોગ છે. 1980માં સ્વ. મોરરાજી દેસાઇના ગઢ ગણાતી વલસાડ બેઠક પર સ્વ. ઇન્દિરા ગાંધીએ રાહુલ ગાંધીના આજના સભા સ્થળ પર જ ચૂંટણી સભા યોજીને સરકાર બનાવી હતી જ્યારે 1984માં પણ અહીં સ્વ. રાજીવ ગાંધીએ ચૂંટણી સભા સંબોધીને સરકાર રચી હતી.

ગુજરાતમાં કુલ 26 લોકસભા બેઠકો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભારતી જનતા પાર્ટીએ આ તમામ બેઠકો પર વિજય મેળવ્યો હતો, પરંતુ 2019માં મોદીના રથને રોકવા કૉંગ્રેસે પણ આ યોગાનુયોગને સહારે વલસાડમાં રાહુલ ગાંધીની ચૂંટણી સભાનું આયોજન કર્યું હોવાનું કહેવાય છે. વલસાડ બેઠકનો ઇતિહાસ જોઇએ તો, અટલ બિહારી વાજપેયીની 1996માં પહેલી વખત સરકાર બની ત્યારે પહેલી વખત ભાજપે આ બેઠક જીતી હતી અને કેન્દ્રમાં વાજપેયીની સરકાર બની હતી. આ પછી અટલ બિહારી વાજપેયી 1998 અને 1999માં વડા પ્રધાન બન્યા ત્યારે પણ આ બેઠક તેમના પક્ષમાં હતી અને ભાજપે જીતી હતી.

જો કે, 2004માં કૉંગ્રેસનાં ઉમેદવાર કિશન પટેલે આ બેઠક જીતી અને કેન્દ્રમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એન.ડી.એ)ની સરકારને હરાવી કૉંગ્રેસના નેતૃત્વવાળી યુનાટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ)ની સરકાર બની. 2009ની લોકસભાની ચૂંટણીમાં પણ કૉંગ્રેસના ઉમેદવાર કિશન પટેલનો વિજય થયો અને કેન્દ્રમાં કૉંગ્રેસના નેતૃત્વવાળી યુપીએની સરકાર બની હતી. 2014ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પર વિજય મેળવ્યો અને કેન્દ્રમાં ભાજપની બહુમતી સાથે સરકાર બની અને નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા હતા. જ્યારે પણ વલસાડ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર (એટલે કે ભાજપ પણ નહીં અને કૉંગ્રેસ પણ નહીં) જીતે છે ત્યારે કેન્દ્રમાં ભાજપની પણ નહી અને કૉંગ્રેસની પણ નહીં એવી ગઠબંધનની સરકાર બને છે. 1997થી આજ સુધીમાં કૉંગ્રેસે આ બેઠક પાંચ વખત જીતી છે, ભારતીય જનતા પાર્ટીએ ત્રણ વખત અપક્ષ ઉમેદવારોએ બે વખત જીતી છે.વલસાડ બેઠકમાં 15 લાખની આસપાસ મતદારો છે. જેમાં ધોડિયા, કોંકણા, વરલી, કોળી, હળપતિ, માછીમારો, મુસ્લિમો અને ભીલનો સમાવેશ થાય છે.