નવી દિલ્હી: નેશનલ કોન્ફરન્સ નેતા અકબર લોને સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ 370 ખતમ કરવા વિરુદ્ધ અરજી દાખલ કરી છે. કાશ્મીરી ભાગલાવાદી અબ્દુલ ગની લોનના દીકરા અકબર લોન અને હસનૈન મસૂદીએ અરજીમાં કોર્ટને અપીલ કરી છે કે, જમ્મુ-કાશ્મીરને બે હિસ્સામાં વહેચવાનું ગેરબંધારણીય અને બિનલોકતાંત્રિક છે. તેથી તેની પ્રક્રિયા પર તુરંત પ્રતિબંધ લગાવવો જોઈએ.
અરજીમાં જમ્મુ-કાશ્મીરને રાજ્યની જગ્યાએ બે કેન્દ્ર શાસિત રાજ્યમાં ભાગલા પાડવા માટે રાષ્ટ્રપતિની અધિસૂચનાને ગેરબંધારણીય જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે. તે સિવાય સંસદને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલને પસાર કરવાની પ્રક્રિયાને પણ ગેરબંધારણીય ગણાવવા કહ્યું છે.
નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હવે કેન્દ્ર શાસિત રાજ્ય છે. રાજ્યમાં કોઈ પ્રકારનો હોબાળો ન થાય અને ભાગલાવાદીઓ પ્રદર્શન ન કરી શકે તે માટે સરકારે હજારોની સંખ્યામાં સેના તહેનાત કરી છે.

