જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાવવામાં હજુ કેટલાક મહિના લાગી શકે છે. એનું કારણ એ છે કે ચૂંટણી પંચ પહેલાં વિધાનસભા સીટોનું સીમાંકન કરશે અને ત્યારબાદ જ ચૂંટણી પ્રક્રિયા થઈ શકે તેવા અહેવાલ સાંપડી રહ્યાં છે. એમાં ઓછામાં ઓછા ચાર મહિનામો સમય લાગી શકે છે. જમ્મુ-કાશ્મીર પુર્નગઠન એક્ટ-2019 અનુસાર રાજ્યમાં વિધાનસભાની સીટોનુ સીમાંકન જરુરી છે.
નવા સીમાંકન અંતર્ગત કેન્દ્ર શાસિત પ્રદેશ બનનાર જમ્મુ-કાશ્મીરમાં હવે વિધાનસભા સીટોમાં એસસી-એસટીને અનામત મળી શકે છે. જોકે, હવે સીટોનો આંકડો 111ને બદલે 107 કરવાની યોજના છે. હમણાં સુધી એમાં 24 સીટો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર માટે રાખી રખાતી હતી અને હવે એ સીટ ખાલી કરાશે. એનો અર્થ એ થયો કે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર માટે 83 વિધાનસભા સીટો પર ચૂંટણી યોજાશે.
ચૂંટણી પંચે હજુ ઔપચારિક રીતે સીટોના સીમાંકન માટે સરકાર સાથો કોઈ ચર્ચા કરી નથી. માનવામાં આવી રહ્યું છે કે, કેન્દ્ર સરકાર ઓક્ટોબર-નવેમ્બરમાં ચૂંટણી કરાવવાના પક્ષમાં નથી. જમ્મુ-કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને હજુ થોડો વિલંબ થઈ શકે છે.
અહીંયા એ પણ નોંધવું રહ્યું કે, લડાખ અને જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની તારીખ 31 ઓક્ટોબર, 2019 નક્કી કરવામાં આવી છે. આ દિવસે દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ પણ છે.

