મનમોહનસિંઘ રાજસ્થાનથી રાજ્યસભાના ઉમેદવારનું ફોર્મ ભરશે

મુખ્ય સમાચાર રાજકીય

દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડો.મનમોહનસિંઘ રાજસ્થાનથી રાજ્યસભાની પેટાચૂંટણી માટે 13મી ઓગષ્ટે ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે. આ સાથે ફરી એક વાર મનમોહનસિંઘનું રાજ્યસભા પહોંચવું લગભગ નક્કી છે. મનમોહનસિંઘ કેટલાક સમય પહેલાં થોડા સમય પહેલાં રાજસ્થાનમાં ધારાસભ્યોના એક કાર્યક્રમના સમાપન સમારોહમાં પહોંચવા અતિથિ તરીકે સામેલ થયા હતાં. ત્યારબાદથી અટકળો શરુ થઈ હતી કે આ વખતે એ રાજસ્થાનથી જ રાજ્યસભામાં પહોંચશે.

અહીંયા એ પણ નોંધવું રહ્યું કે, રાજસ્થાન ભાજપના અધ્યક્ષ રહેલાં મદન લાલ સૈનીના અવસાનના કારણે રાજસ્થાન વિધાનસભાની એક સીટ માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આ સીટ પર ચૂંટણી 26 ઓગષ્ટે થશે અને એ જ દિવસે મતગણતરી હાથ ધરાશે. રાજસ્થાનમાં કોંગ્રેસ પાસે બહુમતી હોવાથી આ સીટ જીતવાની સંપૂર્ણ શક્યતા છે.

મનમોહનસિંઘ વડાપ્રધાન હતાં, ત્યારે એ અસામથી રાજ્યસભાના સાંસદ હતાં. એ ત્રણ દાયકાથી એટલે 1991 થી 2019 સુધી સંસદના ઉપલા ગૃહના સભ્ય રહ્યાં છે. રાજયસભામાં એમનો કાર્યકાળ 14 જૂને ખત્મ થયો હતો. ત્યારબાદ કોંગ્રેસ માટે કોઈ જગ્યા ખાલી નહતી અને સિંઘને ફરી રાજ્યસભામાં મોકલી શકાયા નહતાં, કારણ કે અસામમાં કોંગ્રેસની સત્તા નથી.

અહીંયા એ નોંધવું રહ્યું કે, ડો.મનમોહનસિંઘ 2004 થી 2014 સુધી સતત બે કાર્યકાળ(યુપીએ-1 અને યુપીએ-2) વડાપ્રધાન રહ્યાં હતાં. 1991માં કોંગ્રેસની નરસિમ્હારાવ સરકારમાં એમને નાણાં મંત્રીની જવાબદારી સ્વીકારી હતી. વિશ્વના ખ્યાતનામ અર્થશાસ્ત્રી મનમોહનસિંઘને 1990ના દાયકામાં ભારતમાં આર્થિક સુધારાઓના જનક માનવામાં આવે છે.