જમ્મુ-કાશ્મીર સહિત દેશભરમાં અમન અને ભાઇચારાના પૈગામ સાથે શાંતિપૂર્ણ માહોલમાં ઇદની ઉજવણી થઇ રહી છે. ત્યારે પાકિસ્તાને ફરી એક વખત આ શાંતિને ડહોળવાનું નાપાક ષડયંત્ર રચ્યું છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 7 જેટલા આતંકીઓએ જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરી કરી છે. આ આતંકીઓ ઇદ અથવા તો સ્વાતંત્ર્ય પર્વ પર મોટા આતંકી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં છે. પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી આઇએસઆઇએ જૈશ-એ-મોહમ્મદને ભારતમાં આતંકી હુમલાને અંજામ આપવા માટે પૂરી છૂટ આપી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આઇએસઆઇએ જૈશને જણાવ્યું છે કે તે ભારતમાં એવા હુમલાઓને અંજામ આપે કે જેમાં વધુમાં વધુ લોકો મોતને ભેટે સુરક્ષા અધિકારીઓને આશંકા છે કે આતંકીઓ કોઇ મસ્જીદને નિશાન બનાવી શકે છે. કે જેથી પાકિસ્તાન ભારત પર આરોપ મુકી શકે.

