દેશવ્યાપી વરસાદી ઘટનાઓએ 200થી વધારે લોકોનો ભોગ લીધો, કેરળ સહિત પાંચ રાજ્યોમાં સ્થિતિ ગંભીર

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

આ વર્ષે વરસાદે સમગ્ર દેશમાં પૂરની ગંભીર સ્થિતિઓ ઉભી કરી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે દેશના રાજ્યોમાં અત્યાર સુધી 200થી વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે. મધ્ય પ્રદેશ, કેરળ, તમિલનાડૂ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરથી લાખો લોકો અસરગ્રસ્ત થયા છે.

કેરળમાં મૂશળાધાર વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની અસંખ્ય ઘટનાઓમાં 72 લોકોએ જીવ ગુમાવ્યા છે અને લગભગ 2.27 લાખ લોકોને સ્થળાતંર કરી રાહત શિબિરોમાં આશ્રય લેવાની ફરજ પડી છે. મુખ્યમંત્રી પિનરાઇ વિજયને પૂરની સ્થિતિની ચોક્કસ માહિતી લેવા માટે રવિવારે સવારે રાજ્યના અધિકારીઓ સાથે તત્કાળ બેઠક કરી હતી. તેમણે રાજ્યના જનતાને પણ આ મામલે અપીલ કરી હતી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમના સંસદીય વિસ્તાર વાયનાડની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પૂર અને ભૂસ્ખલનની સ્થિતિની માહિતી મેળવી હતી.
ઉત્તરાખંડમાં પણ મૂશળાધાર વરસાદે બે યુવકોનો ભોગ લીધો હતો. કર્ણાટક રાજ્યમાં તુંગભદ્રા નદી કિનારે સ્થિત વિશ્વ ધરોહર હમ્પી પાણીમાં ગરકાવ થઇ ચૂક્યું છે. નદીમાં પ્રશાસન દ્વારા 1.70 લાખ ક્યૂસેક પાણી છોડવાના કારણે આ સ્થિતિ ઉભી થઇ હતી.

ગૃહમંત્રી અમિત શાહે પણ રવિવારે કર્ણાટકના પૂરથી પ્રભાવિત વિસ્તારોનુ હવાઇ સર્વેક્ષણ કર્યું હતું. પૂરના કારણે અહી 31 લોકોના મોત થયા હતા અને ચાર લાખથી વઘારે લોકો બેઘર થયા હતા. કર્ણાટકમાં અત્યાર સુધી 40 લોકોનો ભોગ લીધો છે. રાજ્યની લગભગ તમામ નદીઓમાં પૂરની સ્થિતિ છે.

મહારાષ્ટ્રમાં પણ સાંગલી જિલ્લામાં એક બોટ પલટી જતા 17 લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ચાર લાખથી વધારે લોકો પ્રભાવિત થયા છે. અહીના કોલ્હાપુરના કેટલાક વિસ્તારોમાં હેલિકોપ્ટરથી ફૂડ પેકેટ નાખવામાં આવ્યા હતા. આ વખતે ગુજરાતમાં પણ મૂશળાધાર વરસાદે 24 લોકોનો ભોગ લીધો છે.

ભારતીય રેલવેએ પૂરથી પ્રભાવિત રાજ્યોમાં રાહત સામગ્રી મોકલવા માટે ભાડૂ ન લેવાની જાહેરાત કરી હતી.