નરાધમોનું આવી બનશે : આ રાજ્યમાં હવે રેપની ઘટના બની તો 21 દિવસમાં જ ફેંસલો

મુખ્ય સમાચાર રાજકીય

આંધ્ર પ્રદેશ વિધાનસભાએ શુક્રવારે દિશા બિલ પાસ કરી દીધું છે. આ સાથે જ આંધ્ર પ્રદેશ દુષ્કર્મ કેસમાં મૃત્યુની સજાની જોગવાઈ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે સામૂહિક દુષ્કર્મ આચરી તેમની હત્યા કર્યા બાદ શબને સળગાવી દેવાની ઘટનાથી દેશભરમાં આક્રોશ વ્યાપ્યો હતો. ત્યારે આ નવા બિલને ‘આંધ્ર પ્રદેશ દિશા બિલ 2019’ નામ આપીને મહિલા ડોક્ટરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.  આ બિલમાં દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મના કેસની ટ્રાયલ ઝડપી બનાવી, 21 દિવસની અંદર ચુકાદો અને મૃત્યુની સજાની જોગવાઈ છે. વર્તમાન કાયદો આ મામલે કેસ ચલાવવા ચાર મહીનાનો સમય આપે છે. આ સાથે જ અન્ય એક કાયદાને પણ મંજૂરી આપવામાં આવી છે જેમાં મહિલાઓ અને બાળકો વિરૂદ્ધ અત્યાચાર મામલે કેસ ચલાવવા વિશેષ કોર્ટની રચના કરવાની જોગવાઈ છે. નવા કાયદામાં રેકોર્ડ સમયથી સાત કાર્યકારી દિવસની અંદર જાતીય ગુનાને લગતા કેસની તપાસ કરવાનો અને ચાર્જશીટ દાખલ થયાની તારીખના 14 કાર્યકારી દિવસની અંદર સુનાવણી પૂરી કરવાનો ઉલ્લેખ છે. આ ઉપરાંત નવા કાયદા પ્રમાણે સજા વિરૂદ્ધની અરજીનો છ મહીનાની અંદર નિકાલ કરવાનો રહેશે. મહિલાઓની સુરક્ષા માટે લાગુ કરવામાં આવેલો આ કાયદો આરોપીઓને ઝડપી સજા અપાવવાનો રસ્તો સાફ કરે છે અને તેના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવશે.