કેવડિયાઃ 15મી ઑગસ્ટે દેશના મહત્વના સ્થળો આતંકીઓના નિશાને હોવાના ઈનપુટ મળતા જ દેશભરમાં અલર્ટ જારી કરવામાં આવ્યું છે. નર્મદા બંધ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર આતંકીઓએ રેકી કરી હોવાની જાણ થતા જ ગુજરાતમાં આંતકી હુમલો થવાની શક્યતાએ સેન્ટ્રલ આઈબીના રિપોર્ટને આધારે રાજ્ય પોલીસ મહાનિર્દેશકની સૂચના પ્રમાણે નર્મદા અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. જેથી નર્મદા એસ.પી. અને નર્મદા બટાલિયન SRP ગ્રુપના સેનાપતિની સૂચના આધારે પોલીસ અને SRP જવાનોને ખડેપગે તૈયાર રાખવામાં આવ્યા છે અને સતત પેટ્રોલિંગ સહિત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
સ્ટેચ્યૂ ખાતે રેકી થઈ હોવાની આશંકા
આઈબીના ઈનપુટના પગલે સમગ્ર ગુજરાતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિત ચેંકીગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતની બોર્ડર પર આવેલા નર્મદા જિલ્લાની સાગબારા-ધનસેરા ચેકપોસ્ટ પર અને નર્મદાના તમામ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને નર્મદા બંધ અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પણ રેકી થઈ હોવાની શક્યતાઓ ધ્યાને આવતા પોલીસ બંદોબસ્તમાં વધારો કરવામાં આવ્યો છે. 15મી ઑગષ્ટ, રક્ષા બંધન, પતેતી જેવા તહેવારોમાં મીની વેકેશનને લઈને નર્મદા ડેમ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા સ્થળોએ પ્રવાસીઓની ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.