ભારતનું મૂન મિશન ચંદ્રયાન-2 બુધવારે ચંદ્ર તરફની સફરે રવાના થશે. 22મી જુલાઈએ લૉન્ચ થયા પછી ચંદ્રયાન-2 પૃથ્વીની કક્ષામાં ભ્રમણ કરતું હતું. ચંદ્ર સુધીની સફર કરવા માટે પહેલાં કેટલોક સમય પૃથ્વી ફરતે પરિભ્રમણ કરવું ફરજિયાત છે. તેને આૃર્થ બાઉન્ડ ઓર્બિટ કહેવામાં આવે છે.
દરેક ઑર્બિટ વખતે ચંદ્રયાન પૃથ્વીથી વધારે દૂર જતું હોય છે. હવે ચંદ્ર સુધીનો પ્રવાસ શરૂ કરી શકે એટલા માટે ટ્રાન્સ લુનાર ઈન્સર્શન નામની પ્રક્રિયા કરવામાં આવશે. એટલે કે ચંદ્રયાનને પૃથ્વીના ગુરૂત્વાકર્ષણથી મુક્ત કરીને ચંદ્ર સુધી પહોંચાડનારા રસ્તા પર મુકવામાં આવશે. મુકવાની આ ક્રિયાને ઈન્સર્શન કહેવામાં આવે છે.
લૉન્ચિંગ પછીથી આજ સુધીમાં ચંદ્રયાન-2ની બધી કામગીરી અપેક્ષા પ્રમાણે થઈ છે. ઓર્બિટમાં ફેરફાર (મેનુવરિંગ)ની કાર્યવાહી પણ સમયસર અને સફળરીતે થઈ શકી છે. માટે ઈસરોને એવો અંદાજ છે કે 20મી ઑગસ્ટેચંદ્રયાન ચંદ્ર સુધી પહોંચી જશે, જ્યારે 7મી સપ્ટેમ્બરે ચંદ્રયાનનો લેન્ડર-રોવર પાર્ટ ચંદ્ર પર ઉતરાણ કરશે. ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યા પછી યાન તેનું પરિભ્રમણ કરશે અને દરેક પરિભ્રમણ વખતે ચંદ્ર તથા યાન વચ્ચેનું અંતર ઘટતું જશે.
કોઈ પણ પરગ્રહ પર જનારૂં યાન પૃથ્વી પરથી રવાના થઈને સીધું જ અન્ય ગ્રહ તરફ જતું હોતું નથી. તેને મેનુવરિંગની આ વિવિધ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે. સાદી ભાષામાં મેનુવરિંગને ટર્ન લેવો કહી શકીએ. જે રીતે વાહન ડાબે-જમણે વળે એમ અવકાશયાન પણ દિશા બદલે,માર્ગ બદલે, કક્ષા બદલે એ બધી પ્રક્રિયા મેનુવરિંગ કહેવામાં આવે છે. એ પ્રક્રિયા અઘરી હોય છે, માટે તેમાં સફળતા મળે એ ઈસરોની સિદ્ધિ ગણવી રહી.