ભારતીય ટીમ હાલ ડેવિસ કપ રમવા પાકિસ્તાન નહી જાય

ખેલ-જગત મુખ્ય સમાચાર

ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશને (એઆઇટીએ) ડેવિસ કપનું આયોજન કરતાં આંતરરાષ્ટ્રીય ટેનિસ ફેડરેશન (આઇટીએફ)ને સ્પષ્ટપણે એવી વિનંતી કરી છે કે, તેઓ ભારતની ડેવિસ કપ ટાઈનું સ્થળ બદલી નાંખે અથવા તો પાકિસ્તાનમાં રમાનાડી ડેવિસ કપની મેચો કેટલાક મહિનાઓ માટે સ્થગિત કરી દે.

એઆઇટીએના ઈ-મેલના પગલે એ બાબત સ્પષ્ટ બની ગઈ છે કે, ભારતીય ટીમ હાલના તબક્કે પાકિસ્તાનમાં ડેવિસ કપ રમવા જવાની નથી. નોંધપાત્ર છે કે, ભારતને ૧૪-૧૫ સપ્ટેમ્બરે ઈસ્લામબાદમાં યજમાન ટીમ સામે ડેવિસ કપની મેચો રમવાની હતી.જોકે તાજેતરમાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધેલા તનાવના પગલે હવે આ મેચો પડતી મૂકાશે તે લગભગ નક્કી થઈ ગયું છે.

આગામી મેચો અંગે એઆઇટીએના જનરલ સેક્રેટરી હિરોન્મોય ચેટર્જીએ કહ્યું કે, હાલની પરિસ્થિતિમાં પાકિસ્તાન જવું અને ત્યાં મેચો રમવી અશક્ય છે. અમે આઇટીએફને ફરી પત્ર પાઠવ્યો છે અને બંને દેશોના રાજદ્વારી સંબંધોમાં આવેલી ઉણપને દર્શાવી છે. અમે તેમને વિનંતી કરી છે કે, તેઓ મેચોનું સ્થળ બદલી નાંખે અથવા તો થોડા મહિના માટે આ મેચોને સ્થગિત કરી દે.

ભૂતકાળમાં અસાધારણ સંજોગોમાં ડેવિસ કપની મેચો સ્થગિત થઈ ચૂકી છે. વર્ષ ૨૦૦૧માં અમેરિકા પર થયેલા આતંકી હૂમલા બાદ ભારત અને અમેરિકા વચ્ચેની ડેવિસ કપ વર્લ્ડ કપ ગૂ્રપ-૧ ટાઈને એક મહિનો પાછળ ઠેલવામાં આવી હતી. આ મેચો નોર્થ કારોલિનામાં રમાવાની હતી, જે સપ્ટેમ્બરને બદલે ઓક્ટોબરમા રમાઈ હતી. ૧૯૯૧માં ગલ્ફ વૉરને કારણે ફેબુ્રઆરીમાં રમાનારી ડેવિસ કપ વર્લ્ડ ગૂ્રપ-૧ની અમેરિકા અને મેક્સિકોની મેચો માર્ચમા રમાડવામાં આવી હતી.