ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના મુખ્ય મહેમાનપદે યોજાનારા કાર્યક્રમનો વિરોધ થયા બાદ ટ્રસ્ટી મંડળે કોલેજનો હોલ ભાડે આપવાનો ઇનકાર કરતાં એચ. કે. આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ પદેથી પ્રો.હેમંત કુમાર શાહે રાજીનામુ ધરી દીધું છે. તેમણે જીજ્ઞેશ મેવાણીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમ માટે ટ્રસ્ટ દ્વારા હોલ વાપરવાનો ઇનકાર કરવાના વિરોધમાં રાજીનામું આપ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. રાજીનામા આપતાં પત્રમાં પ્રો. હેમંતકુમાર શાહે લખ્યું છે કે હાલના બાહ્ય રાજકીય માહોલને જોતા ટ્રસ્ટ દ્વારા હોલ નહીં આપવાનો નિર્ણય લેવાયો છે, જે અયોગ્ય છે. જીજ્ઞેશ મેવાણી કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને ધારાસભ્ય છે. તેથી તેમને વાર્ષિકોત્સવમાં આમંત્રિત કર્યા હતા. વિદ્યાર્થી નેતાઓએ આક્ષેપ કર્યો છે કે જીજ્ઞેશ મેવાણી વિવાદાસ્પદ, સમાજવાદી અને ભાગલાવાદી નેતા હોવાની છાપ ધરાવે છે. એટલે તેમને કોલેજમાં બોલાવવામાં આવશે તો વિદ્યાર્થીઓ કાર્યક્રમનો વિરોધ કરી ધમાલ મચાવશે. તેના કારણે ભયભીત થયેલા ટ્રસ્ટીઓએ કાર્યક્રમ માટે કોલેજનો હોલ આપવાનો ઇનકાર કર્યો હતો. ભૂતકાળમાં આ કોલેજમાં અનેક કાર્યક્રમોમાં ઘણા રાજકીય નેતાઓને બોલાવવામાં આવ્યા છે. પરંતુ ટ્રસ્ટી મંડળના નિર્ણયના વિરોધમાં અંતર આત્માના અવાજને સાંભળી પ્રો.હેમંતકુમાર શાહે રાજીનામું આપ્યાનું કહ્યું છે.

