ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને મહિલા ક્રિકેટર પુનમ યાદવને આ વર્ષના અર્જુન એવોર્ડ માટે પસંદ કરાયા છે. આ વર્ષના અર્જુન પુરસ્કારો માટે 19 એથલિટ્સને પસંદ કરાયા છે. BCCIએ આ વર્ષે અર્જુન એવોર્ડ માટે ચાર ક્રિકેટરોના નામ મોકલ્યા હતા. જેમાં રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને પુનમ યાદવનું નામ સામેલ છે. જ્યારે પેરા એથલીટ દીપા મલિક અને રેસલર બજરંગ પુનિયાને દેશનું સર્વોચ્ચ ખેલ સમ્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મળશે.
રમત-ગમત ક્ષેત્રે સારા પ્રદર્શન કરનારા ખેલાડીઓને આ સમ્માન આપવામાં આવે છે. તેના માટે અલગ-અલગ રમતના બોર્ડ દ્વારા રમત-ગમત મંત્રાલયને ખેલાડીઓના નામ મોકલવામાં આવે છે. આ એવોર્ડ 1961થી શરૂ થયો હતો અને વિજેતાને નિશાન લગાવતા અર્જુનની મૂર્તિ સાથે 5 લાખ રૂપિયા મળે છે.
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ 41 ટેસ્ટ, 156 વનડે અને 42 T20 મેચોમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. હાલમાં જ જાડેજાએ વર્લ્ડકપ 2019ની સેમીફાઈનલમાં 59 બોલમાં 77 રનની ઈનિંગ રમી હતી.