કાશ્મીરને લઇને રઘવાયા બનેલા પાકિસ્તાને બોલાવી હાઇ પ્રોફાઇલ બેઠક

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાં જ્યારથી આર્ટિકલ 370 રદ કરી છે પાકિસ્તાને ધમપછાડા શરૂ કરી દીધા છે. કાશ્મીરને લઇને રઘવાયા બનેલા પાકિસ્તાને શનિવારે આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. પાકિસ્તાને કહ્યું કે, તેમની સેના ભારત તરફથી આવતા તમામ પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે.

કશ્મીરની સ્થિતિ અંગે પાકિસ્તાનના ટોચના અધિકારીઓએ આજે એક બેઠક કરી હતી. બેઠક બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી અને પાક. સેના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે એક સંયુક્ત પ્રેસ કોન્ફરેન્સ કરી હતી. આસિફ ગફૂરે કહ્યું કે, એવું બની શકે છે કે, કશ્મીર મુદ્દે દુનિયાને અંધારામાં રાખી ભારત પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ગફૂરે કહ્યું કે, અમને આશંકા છે કે ભારત કશ્મીર મુદ્દે દુનિયાનું ધ્યાન ભટકાવવા માટે હુમલો કરી શકે છે, પરંતુ અમે એવી કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીંએ. એટલા માટે જ સરહદમાં વધારાના સૈનિકો તૈનાત કર્યા છે. સ્વયંભૂ યુદ્ધના સંભાવનાની ચેતવણી આપતા સેના પ્રવક્તાએ કહ્યું, ‘કશ્મીર મુદ્દો એક ન્યૂક્લિયર ફ્લૈશપૉઈંન્ટ છે.’

જ્યારે કુરૈશીએ કહ્યું કે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, વિદેશ મંત્રાલયમાં એક વિશેષ કશ્મીર સેલની રચના કરવામાં આવશે. એમણે કહ્યું કે, ‘આ મુદ્દાને વૈશ્વિક સ્તરે ઉછાડવા માટે તમામ એમ્બેસીમાં કશ્મીરી નાગરિકોને નિયુક્ત કરવામાં આવશે.’ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અંગે એમણે કહ્યું કે, અમે કશ્મીર મુદ્દાને ઉપર સુધી ઉઠાવ્યો, જે એક મોટી સફળતા રહીં.

પાક વિદેશ મંત્રીએ કહ્યું કે, ‘UNSCમાં આ મુદ્દો પાંચ દાયકા બાદ ઉઠાવવામાં આવ્યો અને આ મુદ્દા પર એક ચર્ચા થઇ હતીં જે આ દિશામાં સારૂં પગલું છે, ખાસ કરીને ત્યારે જ્યારે ભારતે આને રોકવા માટે પ્રયત્ન કર્યા હતા.’ એમણે કહ્યું કે, બેઠકમાં કશ્મીર પર UNSCના પરામર્શની પણ નોંધ લેવામાં આવી હતી અને આ અંગે પણ ચર્ચા કરવામાં આવી કે, આને કેવી રીતે આગળ વધારી શકાય.