ભારતે પાકિસ્તાનથી આયાત થતી બધી જ વસ્તુઓ પરની આયાત ડયુટી ૨૦૦ ટકા વધારી દીધી છે. પરીણામે હવે ભારતના વ્યાપારીઓ અને ઉધ્યોગો પાકિસ્તાનથી આટલી મોંઘી વસ્તુઓની ખરીદી નહીં કરે, જેથી પાકિસ્તાન આર્થિક રીતે પાયમાલ થઇ શકે છે. આ પહેલા ભારતે પાકિસ્તાનને મળેલા એમએફએન દરજ્જાને પણ પરત લઇ લીધો હતો. પાકિસ્તાનની વસ્તુઓ પર ૨૦૦ ટકા આયાત ડયુટી નાખવામાં આવી હોવાથી પાકિસ્તાનને ભારતના આ પગલાથી આશરે ૩૫૦૦ કરોડની ફટકાર પડશે. ૨૦૧૭માં ભારતે પાકિસ્તાન પાસેથી ૩૪૮૨.૩ કરોડ રૃપિયાની વસ્તુઓ આયાત કરી હતી. પાકિસ્તાનથી જે વસ્તુઓની સૌથી વધુ આયાત થાય છે તેમાં સિમેન્ટ, ફળ મુખ્ય છે. આ બન્ને પર હાલ કસ્ટમ ડયુટી ૩૦થી ૫૦ ટકા અને ૭.૫ ટકા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનની વસ્તુઓ પર ૨૦૦ ટકા આયાત ડયુટી લાદવી તેનો સીધો મતલબ એ છે કે પાકિસ્તાનની વસ્તુઓ પર પ્રતિબંધ મુકવો.

