ભારતીય બેડમિંટન ઈતિહાસની સૌપ્રથમ વર્લ્ડ ચેમ્પિયન પી.વી. સિંધુને કરારબદ્ધ કરવા માટે પ્રાયોજકો લાઈન લગાવી રહ્યા છે. વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ સિંધુ તેની વાર્ષિક બ્રાન્ડ ફીમાં ૫૦ ટકા જેટલો વધારો થશે તેમ મનાય છે. સિંધુની અત્યાર સુધીની વાર્ષિક બ્રાન્ડ ફી આશરે ૧.૫ કરોડ જેટલી હોવાનું મનાય છે, જે વધીને હવે ત્રણ કરોડે પહોંચશે તે નક્કી લાગી રહ્યું છે.
સિંધુ હાલમાં ૧૪ બ્રાન્ડની સાથે જોડાયેલી છે અને તેને વાર્ષિક આશરે રૃપિયા ૪૦ કરોડ જેટલી રકમ મળે છે. ફોર્બ્સે તાજેતરમાં જાહેર કરેલી વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી મહિલા ખેલાડીઓની યાદીમાં સિંધુને ૧૩મું સ્થાન આપવામાં આવ્યું હતુ.
સિંધુએ છ મહિનાથી મોબાઈલને હાથ લગાડયો નથી
સિંધુની સિદ્ધિથી ભાવુક બનેલા તેના માતા વિજયાએ કહ્યું હતુ કે, સિંધુએ આ સુવર્ણ ચંદ્રક જીતવા માટે ઘણો બધો ભોગ આપ્યો છે. છેલ્લા ૧૩-૧૪ વર્ષમાં તેણે જે પ્રકારે સખત મહેનત અને પરિશ્રમ કર્યો છે, તેનું હું સાક્ષી રહી છું. તેણે તેની સુખ-સાહ્યબીના આપેલા બલિદાનોનો સરવાળો એ આ મેડલ છે. ખુબ જ ઓછા લોકો એ બાબત જાણે છે કે, સિંધુએ છેલ્લા છ મહિનાથી મોબાઈલને હાથ પણ લગાડયો નથી. બેડમિંટનની રમતમાં અને પોતાની ભૂલોને સુધારવામાં એકાગ્રતા જળવાઈ રહે તે માટે તેણે મોબાઈલનો ઉપયોગ પણ છોડી દીધો હતો. વર્લ્ડ ચેમ્પિયનશીપ જીત્યા બાદ તેણે મારી સાથે ફોન પર વાત કરી હતી. તેના અવાજમાં લાગણીનો ઉભરો હતો. તેણે કહ્યું કે, તે હવે ઓલિમ્પિક મેડલ જીતવા ઈચ્છે છે એટલે તે હજુ સખત મહેનત કરવા માટે તૈયાર છે. સિંધુની માતા, સિંધુની દાદી અને અન્ય સગાસંબંધીઓએ ભેગા મળીને તેની ફાઈનલ મેચ નિહાળી હતી. વિજયાએ ઊમેર્યું કે, તેણે મને જન્મદિવસે મારી જિંદગીની સૌથી મોટી ભેટ આપી છે. તે અગાઉ બે વખત ફાઈનલમાં હારી ચૂકી હોવાથી હું થોડી નર્વસ હતી, પણ તેણે ભારે આત્મવિશ્વાસ સાથે જીત મેળવી હતી. ઘણા લોકો એવું માને છે કે, કોઈ અંધશ્રદ્ધાને કારણે હું તેની ફાઈનલ જોતી નથી, પણ તે સાચું નથી. મેં તેની બધી મેચો જોઈ છે.