ઢબુડી માના નામે લોકોની અંધશ્રદ્ધા સાથે રમત રમતાં ધનજી ઓડનો પર્દાફાશ થતાં તેની સામે બોટાદના ભીખુભાઈએ ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જે બાદ પોલીસની ધરપકડથી ફફડી ઉઠેલાં ધનજી ઓડે ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ ધનજીએ કહ્યું હતું કે મારી સામેના આક્ષેપો ખોટા છે. તો પછી ધનજીને આગોતરા જામીનની અરજી કેમ કરવાની જરૂર પડી તે પણ એક સવાલ છે.
બોટાદના ભીખાભાઈનો પુત્ર કેન્સરથી પીડિત હતો. ઢબુડી માએ ભીખાભાઈને પુત્રની કેન્સરની દવા બંધ કરવાનું કીધું હતું. જે બાદ ભીખાભાઈના પુત્રનું મોત નિપજ્યું હતું. વિજ્ઞાનજાથા દ્વારા ઢબુડી માના ધતિંગનો પર્દાફાશ થતાં ભીખાભાઈએ ઢબુડી મા સામે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ઢબુડી મા સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ઢબુડીના ઘરે અને ઓફિસે તપાસ કરી હતી. પણ ધનજી ઘર અને ઓફિસને તાળાં મારીને ફરાર થઈ ગયો હતો.
પેથાપુર પોલીસમાં અરજી થતાં જ ઢબુડી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અને પોલીસ ગમે ત્યારે તેની ધરપકડ કરશે તેનાં ડરથી ઢબુડી માએ ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી પણ કરી દીધી છે. એટલે કે, ક્યાંકને ક્યાંક ધનજીને પણ લાગે છે કે તેણે લોકો સાથે શ્રદ્ધાના નામે ઠગાઈ કરી છે. આ ઉપરાંત વિજ્ઞાનજાથાના ડાયરેક્ટર દ્વારા ઢબુડી માના સમર્થકની ઓડિયો ક્લિપ જાહેર કરવામાં આવી હતી. જેમાં અરજી કરનાર ભીખાભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.