રશિયા અને ચીનને યુદ્ધમાં કારમો પરાજય આપવા અમેરિકાએ કરી ખાસ તૈયારી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના સશસ્ત્ર દળો અંતિરક્ષમાં રહેલા સુરક્ષા સંબંધી જોખમો પર પણ વધુ ધ્યાન આપે તે દિશાનું મહત્ત્વનું પગલું લીધું હતું. અમેરિકી પ્રમુખે વિધિવત રીતે અમેરિકી સ્પેસ કમાન્ડ લોન્ચ થયાની જાહેરાત કરી હતી. એક દાયકા જેટલી જહેમતને અંતે આ સ્પેસ કમાન્ડ ઊભું થઈ શક્યું છે.

રોઝ ગાર્ડન ખાતે આ પ્રસંગે આયોજિત ટૂંકા કાર્યક્રમને સંબોધતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે સ્પેસ કમાન્ડ ઊભું થતાં અમેરિકાના અંતરિક્ષ હિતોનું રક્ષણ થશે. હવે પછીનું યુદ્ધ કદાચ અંતરિક્ષમાં લડાવાનું છે.

વ્હાઇટ હાઉસ સેનેટને સ્પેસ ફોર્સ ઊભો કરવાની જરૃરત પણ સમજાવી રહ્યું છે. સ્પેસ ફોર્સ અમેરિકી સૈન્યની છઠ્ઠી પાંખ બની રહેશે. પ્રતિનિધિગૃહ અને સેનેટ પેન્ટાગોન ખર્ચ બિલમાં સ્પેસ ફોર્સ માટેની જોગવાઈ ધરાવે છે. પરંતુ કેચલાક મહત્ત્વના મુદ્દે હજી સર્વસહમતી સાધી શકાઈ નથી.

જૂન મહિનામાં સેનેટે વાયુસેનાના જનરલ જોન રેમન્ડને સ્પેસ કમાન્ડના વડા તરીકે માન્યતા આપી દીધી હતી.સ્પેસ કમાન્ડ લોન્ચ થયા પ્રસંગે રેમન્ડે પત્રકારોને જણાવ્યું હતું કે કમાન્ડ અંતરિક્ષમાં આવેલી અમેરિકી અસ્કયામતોનું રક્ષણ કરશે. ઉપગ્રહોની સુરક્ષા ઉપરાંત મિસાઇલ ડિફેન્સ અને ઊભી થયેલા સંદેશાવ્યવહાર નેટવર્કનું પણ રક્ષણ કરશે.

અમેરિકી સ્પેસ કમાન્ડ તે દેશનો 11મો લડાયક કમાન્ડ છે. અન્ય કમાન્ડમાં મધ્યસ્થ કમાન્ડ

(મધ્ય પૂર્વમાં), અફ્રિકા કમાન્ડ ( આફ્રિકામાં), ભારત – પ્રશાંતસાગર કમાન્ડ (એશિયામાં)નો પણ સમાવેશ થાય છે.ટ્રાન્સપોર્ટેશન કમાન્ડ સૈન્યને પુરવઠો પૂરો પાડવાની કામગીરી કરે છે તો ન્યુક્લિયર કમાન્ડ પરમાણુ આયુધોનું નિયંત્રણ કરે છે. છેલ્લે વર્ષ 2007માં આફ્રિકા કમાન્ડની રચના કરવામાં આવી હતી.

સ્પેસ કમાન્ડમાં હાલમાં 287 જવાનો તૈનાત છે. ખાસ કરીને અમેરિકી સ્ટ્રેટેજિક કમાન્ડમાં તૈનાત રહેલા જવાનોને આ નવા કમાન્ડમાં સમાવવામાં આવ્યા છે. રેમન્ડે જણાવ્યું હતું કે અમેરિકી વાયુસેના છ બેઝ ધરાવે છે. તે છ બેઝ પૈકી કયા બેઝ ખાતે સ્પેસ કમાન્ડનું મુખ્યાલય ઊભું કરવું તે મુદ્દે નિર્ણય લેવાનો હજી બાકી છે.