પાકિસ્તાન કાશ્મીર મામલાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઇ જવા માગે છે. જોકે તેને આ પહેલા જ ફટકાર લાગી છે. આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પાકિસ્તાનના જે વકીલ છે તેને સ્પષ્ટતા કરી દીધી છે કે કાશ્મીર મામલે પાકિસ્તાન પાસે યોગ્ય પુરાવા અને દસ્તાવેજો તેમજ કેસ મજબૂત બનાવવા માટેનો કોઇ આધાર નથી તેથી ભારત સામે હાર થઇ શકે છે. પાકિસ્તાન કાશ્મીર મામલો દરેક સ્તરે ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યું છે પણ તેને કોઇ સફળતા નથી મળી રહી. આ સ્થિતિ વચ્ચે હવે એવા અહેવાલો છે કે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પણ પાકિસ્તાનને ફટકાર લાગી છે.
આઇસીજે (ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ) આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અગાઉ કુલભુષણ જાધવ મામલે પણ પાકિસ્તાનની હાર થઇ હતી, તેથી વધુ એક હાર માટે હવે પાકિસ્તાન તૈયાર નથી. આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પાકિસ્તાનના વકીલ ખવાર કુરેશીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીર મુદ્દે ગેનોસાઇડ કન્વેંશન 1948 અંતર્ગત આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જઇ શકે છે. આ કન્વેંશન ભાગલા બાદ 1948માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયા હતા તેવો દાવો પાક. વકીલે કર્યો હતો સાથે જણાવ્યું હતું કે જો કોઇ કાશ્મીરમાં નરસંહાર થયો છે તે માટે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જવું હોય તો તેના માટે પુરતા પુરાવા હોવા પણ એટલા જ જરૂરી છે.
પાક. વકીલના જણાવ્યા અનુસાર હાલની સ્થિતિ એવી છે કે કાશ્મીરમાં નરસંહાર થયો છે તે પુરવાર કરવા માટે પાકિસ્તાન પાસે પુરતા પુરાવા કે કોઇ આધાર નથી, તેથી આ કેસ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઇ જવો મુશ્કેલ છે. પાકિસ્તાન કાશ્મીર મામલાને આંતરરાષ્ટ્રીય સ્તરે ચગાવવા માટે હવાતીયા મારી રહ્યું છે, જોકે રશિયા, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ જેવા દેશોએ પાકિસ્તાનને નહીં પણ ભારતને સાથ આપ્યો છે.
યુએનમાં સુરક્ષા પરિષદની જે બેઠક યોજાઇ હતી તેમાં 14 દેશોએ કાશ્મીર મામલે ભારતને સાથ આપ્યો હતો જ્યારે પાકિસ્તાનને માત્ર ચીને જ સમર્થન આપ્યું હતું. તેમ છતા પાકિસ્તાન પાછીપાની કરવા તૈયાર નથી. અગાઉ પાકિસ્તાનના વડા પ્રધાન અને મંત્રીઓ એવા દાવા કરી ચુક્યા છે કે અમે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પણ આ મામલાને લઇ જઇશું, જોકે પાકિસ્તાન આ માટે કોર્ટમાં જાય તે પહેલા જ તેના વકીલે હિથયારો નીચે મુકી દીધા છે.

