હૉંગકૉંગનાં નેતા અને ચીફ ઍક્ઝિક્યુટિવ કૅરી લૅમે જણાવ્યું છે કે તેઓ વિવાદાસ્પદ પ્રત્યર્પણ બિલને પરત લેવા માટે તૈયાર છે. આ બિલને કારણે છેલ્લા કેટલાક મહિનાથી હૉંગકૉંગમાં વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે.
આ વિવાદાસ્પદ બિલને એપ્રિલમાં પસાર કરવામાં આવ્યું હતું, જેમાં ગુનાહિત મામલાઓમાં આરોપીને ચીન મોકલી દેવાની જોગવાઈ હતી.
આ બિલને જૂનમાં અટકાવી દેવાયું હતું, જોકે, લૅમે તેને સંપૂર્ણ રીતે હઠાવવાનો ઇન્કાર કરી દીધો હતો.
પ્રદર્શનકારીઓ આ બિલને સંપૂર્ણ રીતે હઠાવવાની માગ કરી રહ્યા હતા. તેઓ હૉંગકૉંગમાં સંપૂર્ણ લોકતંત્રની માગ પણ કરી રહ્યા છે.
કૅરી લૅમે શું કહ્યું?
કૅરી લૅમે એક રૅકર્ડ કરાયેલા સંદેશામાં બિલને સંપૂર્ણ રીતે હઠાવવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે લોકોની ચિંતા જોતાં સરકાર બિલને ઔપચારિક રીતે પરત લેવા તૈયાર છે.
લૅમે કહ્યું કે પ્રદર્શનકારીઓએ હૉંગકૉંગની જનતાને હેરાન કરી નાખી અને પ્રદર્શનો દરમિયાન જે રીતે હિંસા થઈ રહી છે, તેનાથી હૉંગકૉંગ અત્યંત ખતરનાક સ્થિતિની તરફ આગળ વધી રહ્યું હતું.
કોઈ પણ સમસ્યાનો ઉકેલ હિંસા ન હોવાની પણ તેમણે વાત કરી.
તેમણે જણાવ્યું, “હાલ અમારા માટે હિંસાને અટકાવવી સૌથી મહત્ત્વનું છે. આ સાથે જ કાયદો અને વ્યવસ્થા લાગુ કરવી પણ જરૂરી છે.”
તેમણે એવું પણ ઉમેર્યું કે અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે તેઓ હૉંગકૉંગના લોકોને મળવા જશે અને તેમની ચિંતાને સમજવા પ્રયાર કરશે.
પ્રદર્શનકારીઓની માગ
પ્રદર્શનકારીઓની માગ હતી કે આ બિલને સંપૂર્ણ રીતે હઠાવી લેવામાં આવે.
આ ઉપરાંત પ્રદર્શનકારીઓ વિરુદ્ધ નિર્દયતાપૂર્ણ બળપ્રયોગ કરનારા પોલીસકર્મીઓ વિરુદ્ધ સ્વતંત્ર તપાસ કરવાની પણ તેઓ માગ કરી રહ્યા હતા.
આ જાહેરાત પહેલાં સોમવારે કૅરી લૅમનો એક ઑડિયો લીક થયો હતો, જેમાં તે દુઃખી સ્વરમાં પોતાના રાજીનામાની વાત કરી રહ્યાં હતાં.
આ બિલને હઠાવવાની જાહેરાત બાદ અલગઅલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે.
બેજિંગ તરફ વલણ ધરાવનારાં સાંસદ રૅગીના ઈપે બીબીસી સાથેની વાતચીતમાં આને એક સકારાત્મક પગલું ગણાવ્યું.
તેમણે કહ્યું, “આ નિર્ણયથી સૌ શાંત નહીં થાય પણ આશા કરીએ કે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓઓના મનમાં જે આશંકા છે, એ ચોક્કસથી દૂર થશે.”
ઍમનેસ્ટી ઇન્ટરનેશનલે બિલને પરત લેવાના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. જોકે, પ્રદર્શનકારીઓ વિરુદ્ધ જે રીતે પોલીસે બળપ્રયોગ કર્યો, તેની તપાસ કરવાની પણ તેણે માગ કરી છે.
પ્રદર્શનકારીઓ ઇચ્છી રહ્યા છે કે જે લોકોને પકડવામાં આવ્યા છે, તેમને માફ કરી દેવામાં આવે, રાજકીય સિસ્ટમમાં ફેરફાર કરાય અને આ પ્રદર્શનોને તોફાનનું નામ ન અપાય.
નોંધનીય છે કે હૉંગકૉંગ પર 150 વર્ષથી વધુ સમય સુધી બ્રિટનનું શાસન હતું અને 1997માં તેને ચીનને સોંપી દેવાયું હતું.
હૉંગકૉંગને ચીનની ‘એક દેશ, બે પ્રણાલી’ અંતર્ગત સ્વાયત્તતા પ્રાપ્ત છે. જોકે, કેટલાક લોકોને લાગી રહ્યું છે કે ચીન હૉંગકૉંગ પર પોતાનો અધિકાર જમાવી રહ્યું છે.