અમેરિકાની લેજન્ડરી ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે ક્વાર્ટર ફાઈનલમાં ચીનની કિએંગ વાંગ સામે માત્ર એક જ ગેમ ગુમાવતા ૬-૧, ૬-૦થી વિજય મેળવતા યુએસ ઓપન વિમેન્સ સિંગલ્સની સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. સેરેનાએ ક્વાર્ટર ફાઈનલમાં મેળવેલી જીત તેની યુએસ ઓપનમાં કારકિર્દીની ૧૦૦મી જીત બની હતી. સેરેના હવે અંતિમ ચારમાં યુક્રેનની સ્વિટોલિના સામે ટકરાશે. સ્વિટોલિનાએ અન્ય ક્વાર્ટર ફાઈનલમાં બ્રિટનની જોહાન્ના કોન્ટાને સીધા સેટોમાં ૬-૪, ૬-૪થી પરાસ્ત કરતાં અંતિમ ચારમાં પ્રવેશ મેળવ્યો હતો.
અન્ય ક્વાર્ટર ફાઈનલમાં સ્વિત્ઝર્લેન્ડની બેલિન્ડા બેન્સિચની ટક્કર ક્રોએશિયાની ડોના વેકિક સામે થશે. જ્યારે આખરી ક્વાર્ટર ફાઈનલમાં કેનેડાની એન્ડ્રિસ્કુનો મુકાબલો બ્રિટનની મેર્ટેન્સ સામે થશે.
છ વખત યુએસ ઓપન જીતી ચૂકેલી સેરેના ૧૩મી વખત સિઝનની આખરી ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપમાં અંતિમ ચારમાં પ્રવેશી હતી. નોંધપાત્ર છે કે, ૩૦ વર્ષ પહેલા આ જ દિવસે લેજન્ડરી ખેલાડી ક્રિસ એવર્ટે યુએસ ઓપનમાં રેકોર્ડ ૧૦૧મો વિજય મેળવ્યો હતો.

