ચંદ્રયાન-2ને ચંદ્ર પર ઉતારવામાં નિષ્ફળ રહેવાની ચર્ચાઓની વચ્ચે ઈસરોએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે મિશન 99.5 ટકા સુધી સફળ રહ્યું છે. ઈસરોના પ્રમુખ ડો. કે. સિવને શનિવારે જણાવ્યું હતું કે લેન્ડર અને રોવરનું ચંદ્ર પર 14 દિવસનું મિશન હતું. આ દરમિયાન અમે તેનો સંપર્ક કરવાની કોશિશ ચાલુ રાખીશું. જો સંપર્ક થયો તો અમે અહીંથી પેલોડને ઓપરેટ કરી શકીશું અને અમને જે ડેટો જોઈએ છે, તે પણ મળવા લાગશે. આ દરમિયાન ઓર્બિટર પણ તેની શોધ ચાલુ રાખશે. તેમની સાથેની વાતચીતના મહત્વના અંશ…
ડો. સિવન અંતિમ ક્ષણોમાં શું થયું હતું ?
જવાબઃ30 કિમીની ઉંચાઈથી સોફટ લેન્ડિંગનું કામ 4 તબક્કામાં થવાનું હતું. અતિમ તબક્કામાં લેન્ડર વિક્રમ સાથે અમારો સંપર્ક તૂટી ગયો હતો.
હવે આગળ શું ? મિશનને કઈ રીતે જોવો છો ?
જવાબઃ સવારે જ વડાપ્રધાને કહ્યું હતું કે સાયન્સ પરિણામ જોતું નથી, પ્રયોગ કરે છે. ચંદ્રયાન મિશનના બે લક્ષ્ય હતા. પ્રથમ- સાયન્સ સાથે જોડાયેલુ અને બીજું- ટેક્નોલોજીનું પ્રદર્શન. સાયન્સનો એક મોટો હિસ્સો ઓર્બિટર સાથે જોડાયેલો છે. લેન્ડિંગ અને રોવર મુખ્યત્વે ટેકનોલોજી પ્રદર્શન માટે હતા. ઓર્બિટરમાં પેલોડનું મહત્વ છે. એક છે ડ્યુલ બેન્ડ એસએઆર. તેમાં એલ અને એસ બેન્ડ છે. અત્યાર સુધીમાં ચંદ્રમાં ઓર્બિટમાં ફરેલા તમામ ઓર્બિટરમાં સિંગલ બેન્ડ છે. આ મિશનમાં ગયેલું એલ બેન્ડ ચંદ્રની સપાટીની અંદર 10 મી સુધી જોઈ શકે છે. તે ચંદ્ર પર પાણી અને બરફ શોધશે. આપણને ઘણો ડેટા આપેશે. તેનાથી અમારા સાયન્સના ભાગની જરૂરિયાત પુરી થશે.
અને ટેકનોલોજી પ્રદર્શન વિશે…
જવાબઃ લેન્ડર અને રોવરની વાત કરીએ તો 30 કિમીથી 2 કિમી સુધીની સફર સારી રહી હતી. જોકે છેલ્લા તબક્કામાં સંપર્ક થઈ શકયો ન હતો. હું કહું તો આપણે ટેકનોલોજી પાર્ટનો પણ 99.5 ટકા હિસ્સો પુરો કર્યો છે. આમ આપણે ચંદ્રયાન-2ની 100 ટકા સફળતાની નજીક છે.
આર્બિટરના ડેટાને વિશ્વ કઈ રીતે જોશે ?
જવાબઃઅમારું ઓર્બિટર ચંદ્રમાના ચક્કર લગાવશે. ડ્યુલ બેન્ડ એસએઆરના ડેટાના આધાર પર ખૂબ જ રિસર્ચ કરી શકશે. ધ્રવીય ક્ષેત્રમાં હાઈ રિઝોલ્યુશન ફોટો અને ઈમેજિંગ આઈઆર સ્પેક્ટોમીટર ડેટા પણ મળશે, જે સમગ્ર વિશ્વને ઉપલબ્ધ થશે.
તમે ઓર્બિટરની ઉંમર 7 વર્ષની જણાવી છે ? કેટલા સમય સુધી પ્રયોગ ચાલુ રહેશે ?
જવાબઃ મિશનની લાઈફ એક વર્ષ છે, પરંતુ ઓર્બિટરમાં વધારાનું ફ્યુઅલ છે. તેના આધાર પર સાડા સાત વર્ષ સુધી તે ચાલુ રહેશે તેવું અનુમાન છે.
શનિવારે સવારે વડાપ્રધાનના ભાષણ બાદ તમારી ટીમ શું વિચારી રહી છે ?
જવાબઃ વડાપ્રધાનના શબ્દો અને સમર્થન અમારા બધા માટે પ્રોત્સાહન, ઉત્સાહ અને પ્રેરણા વધારનાર છે. રાતે અમે નિરાશ થયા હતા, પરંતુ તેમની વાતથી હિંમત મળી. અમે મિશન પર કામ કરી રહ્યાં છે. અમારી પાસે ઘણા બીજા મિશન પણ છે. ઓર્બિટર પર પણ ઘણું એનાલિસિસ કરવાનું છે.

