બહામાસમાં ડોરિયન વાવાઝોડાનો કેર મૃત્યુઆંક વધીને 43 : હજારો બેઘર

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

બહામાસમાં ડોરિયન વાવાઝોડાનો મૃત્યુઆંક વધીને 43 થઇ ગયો છે. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે અને કેટલાક વિસ્તારોને એલર્ટ રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ અનેક લોકો લાપતા છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે. યુનાઇટેડ નેશન્સે વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક મદદ કરવાની અપીલ કરી છે. બહામાસના વડાપ્રધાને ઐતિહાસિક આપત્તિ જાહેર કરીને મદદની માગ કરી છે.

બહામાસના વડાપ્રધાન હુબર્ટ મિનિસના પ્રવક્તા એરિકા વેલ્સ કોક્સે જણાવ્યું છે કે હજુ પણ અનેક લોકો લાપતા હોવાથી મૃતકોની સંખ્યા વધી શકે છે. વડાપ્રધાન હુબર્ટ મિનિસ સાથેની મુલાકાત પછી યુનાઇટેડ નેશન્સના ઇમરજન્સી સર્વિસીસના સંયોજક માર્ક લોકોકે જણાવ્યું હતું ક ગ્રાન્ડ બહામામાં 50,000 જ્યારે અબાકોમાં 15 થી 20 હજાર લોકોને ત્વરિત આશ્રય, સુરક્ષિત પીવાનું પાણી, ભોજન અને દવાઓની જરૂર છે.

આ અગાઉ બહામાસના વડાપ્રધાન મિનિસે જણાવ્યું હતું કે અમે એક ઐતહાસિક આપત્તિમાંથી પસાર થઇ રહ્યાં છે. મોટા પાયે નુકસાન થયું છે. તોફાનને કારણે મોટા પાયે જાનમાલનું નુકસાન થયું છે. અસરગ્રસ્ત લોકો માટે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. અમેરિકાએ પણ પોતાના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની ચેતવણી આપી છે. ગ્રાન્ડ બહામામાં હજારો લોકો બેઘર થઇ ગયા છે.

ગેસ સ્ટેશન અને ફૂડ સ્ટોર્સ બંધ હોવાને કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક લોકોના મકાનોમાં મોટા પાયે નુકસાન થયું હોવાથી તેમને રોજબરોજના કાર્યોમાં ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

યુએસ કોસ્ટ ગાર્ડ અને અન્ય ખાનગી સામાજિત સંગઠનો અબાકો અને નાસ્સાઅુમાં ફસાયેલા લોકોને બચાવી રહ્યાં છે. કેનેડિયન હુરિકેન સેન્ટરે પણ મધ્ય અને પૂર્વ નોવા સ્કોટિયા માટે વાવાઝોડાની ચેતવણી જારી કરી છે.