પ્રસાદ લેનાર અને વેચનાર બંનેએ ભોગવવી પડે છે નર્કની યાતના, જાણો શાસ્ત્રોમાં શું છે મહિમા

ધર્મદર્શન

સનાતન ધર્મમાં પૂજા પાઠનું અનેરું મહત્વ છે. ભગવાનની પૂજા કર્યા પછી તેમને પ્રસાદ પણ ચઢાવવામાં આવે છે. પ્રસાદ એટલે ભગવાનને ભોજન અર્પણ કરવું. આ પ્રસાદની મહિમા અધિક હોય છે. શાસ્ત્રો અનુસાર ભગવાનને ભોગ ધરાવ્યા બાદ જ ભક્તએ ભોજન ગ્રહણ કરવું જોઈએ. ભગવાનને જે ભોગ ધરાવાય છે તે પછીથી પ્રસાદમાં પરિવર્તિત થઈ જાય છે અને તેનું મહત્વ વધી જાય છે.

સ્કંદ પુરાણ અનુસાર અનેક શાસ્ત્રોમાં પ્રસાદની મહિમાનું વર્ણન મળે છે. જે અનુસાર ભગવાનને ચઢેલો પ્રસાદ ખૂબ પવિત્ર હોય છે. આ પ્રસાદને ગ્રહણ કરનાર વ્યક્તિ માટે તે પવિત્ર હોય છે. શાસ્ત્રો અને પુરાણો અનુસાર પ્રસાદને ગ્રહણ કરવા તથા તેને અન્ય લોકો સાથે ભાગ પાડી અને ખાવાથી વ્યક્તિને ગંગા સ્નાન જેટલી શુદ્ધતા તેમજ પવિત્રતા મળે છે. કહેવાય છે કે પ્રસાદ ક્યારેય અશુદ્ધ થતો નથી.

પરંતુ આજના સમયમાં અનેક ધાર્મિક સ્થળ એવા છે જ્યાં મંદિરની બહાર ભગવાનને અર્પણ કરેલો પ્રસાદ વેંચવામાં આવે છે. શ્રદ્ધાળુઓ પણ ભગવાનના દર્શન કર્યા બાદ આ પ્રસાદ ગ્રહણ કરવા તેને ખરીદે છે. પરંતુ આ ખરીદવાની અને વેંચવાની પ્રક્રિયાને શાસ્ત્રોમાં માન્યતા આપવામાં આવતી નથી. શાસ્ત્રોમાં ભગવાનના પ્રસાદની ખરીદી અને વેચાણ કરવાને નિષેધ ગણવામાં આવે છે. સ્કંદ પુરાણ અનુસાર જે વ્યક્તિ ભગવાનને અર્પણ કરેલો પ્રસાદ વેંચે કે ખરીદે છે તે બંને વ્યક્તિ નર્કના ભાગીદાર બને છે.

ભગવાનને જે ભોગ ધરાવવાનો હોય તે ખરીદી શકાય છે. પરંતુ જે ભોગ ભગવાનને ધરેલો હોય તે પ્રસાદ બની જાય છે અને પછી તે પ્રસાદનું રૂપિયા લઈ વેચાણ કરવું અને તેને ખરીદવું બંને શાસ્ત્રમાં નિષેધ છે.