બે દિવસ હજુ ભારે, 24 જિલ્લામાં સિઝનનો 100 % વરસાદ, વલસાડ જિલ્લામાં 108 ઈંચ તો બનાસકાંઠામાં 22 ઈંચ વરસાદ

ગુજરાત મુખ્ય સમાચાર

રાજ્યમાં છેલ્લા 15 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા 24 કલાક દરમિયાન 33 જિલ્લાના 216 તાલુકામાં સરેરાશ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સરેરાશ 37 ઈંચ વરસાદ સાથે સિઝનનો 114 ટકા વરસાદ થઈ ગયો છે. આ સાથે જ 2017નો રેકોર્ડ તૂટી ગયો છે. 2017માં સિઝનનો કુલ 112 ટકા વરસાદ પડ્યો હતો. આ વર્ષે હજૂ વરસાદી માહોલ જામેલો હોવાથી વરસાદની ટકાવારી વધી જોય એવો અંદાજ છે. 2013માં રાજ્યમાં સીઝનનો કુલ વરસાદ 128 ટકા થયો હતો. રાજ્યના 24 જિલ્લામાં 100 ટકા કરતા વધુ વરસાદ છે. તેમજ ઈંચની દ્રષ્ટીએ સૌથી વધુ સરેરાશ વરસાદ વલસાડ જિલ્લામાં 108 ઈંચ જ્યારે સૌથી ઓછો બનાસકાંઠા જિલ્લામાં 21 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

જ્યારે ટકાવારીની દ્રષ્ટીએ સૌથી વધુ સરેરાશ વરસાદ ભરૂચ જિલ્લામાં 150 ટકા પડ્યો છે. ભરૂચ જિલ્લામાં સિઝનનો કુલ 1062 મિ.મી. એટલે કે 42 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે મહિસાગર જિલ્લામાં સૌથી ઓછો 560 મિ.મી એટલે કે 22 ઈંચ વરસાદ સાથે સિઝનનો 74.76 ટકા વરસાદ પડ્યો છે.

હજુ પણ વરસાદી સિસ્ટમ સક્રિય, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે હાલ રાજ્યમાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવાથી લઇને ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, સુરત, વડોદરા, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. દરીયાકાંઠાના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે. આ ઉપરાંત દરિયામાં પણ ભારે તોફાનની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવી છે.

હવામાન ખાતાની આગાહી મુજબ ભારે વરસાદની આગાહીનાં પગલે 40થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાનારા પવનના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.

રાજ્યના મુખ્ય ચાર શહેરોમાં ક્યાં કેટલો વરસાદ
જ્યારે રાજ્યના ચાર મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 697 મિ.મી એટલે કે 27 ઈંચ જેટલો 80 ટકા વરસાદ નોંધાયો છે. તેમજ વડોદરા શહેરમાં 1680 મિ.મી એટલે કે લગભગ 67 ઈંચ વરસાદ સાથે 170 ટકા વરસાદ પડ્યો છે. તેમજ રાજકોટ શહેરમાં 1400 મિ.મી એટલે કે 56 ઈંચ વરસાદ સાથે 190 ટકા વરસાદ પડ્યો છે. જે 70 વર્ષના ઈતિહાસનો સૌથી વધુ વરસાદ છે. જ્યારે સુરત શહેરમાં 1503 મી.મિ એટલે કે 60 ઈંચ વરસાદ સાથે 113 ટકા વરસાદ પડ્યો છે.

65 તાલુકામાં 40 ઈંચથી વધુ, 151 તાલુકાઓમાં 20થી 40 ઈંચ વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 37 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 251 તાલુકાઓમાંથી 65 તાલુકામાં 40 ઈંચથી વધુ, 151 તાલુકાઓમાં 20થી 40 ઈંચ અને 35 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ નોંધાયો છે.

ઝોન મુજબ સિઝનનો ક્યાં કેટલો વરસાદ
દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 70 ઈંચ વરસાદ સાથે કુલ 123 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે કચ્છની વાત કરવામાં આવે તો સતત બે વર્ષ નબળા રહ્યાં બાદ 23 ઈંચ વરસાદ સાથે આ વર્ષે સિઝનનો કુલ 146 ટકા વરસાદ પડ્યો છે. તેમજ ઉત્તર ગુજરાતમાં 25 ઈંચ સાથે મૌસમનો સૌથી ઓછો 90 ટકા અને મધ્ય ગુજરાતમાં કુલ 34 ઈંચ સાથે 104 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 30 ઈંચ વરસાદ સાથે સિઝનનો 112 ટકા વરસાદ પડ્યો છે.