ભાજપના ઉપ-મુખ્યમંત્રીનું અજીબો ગરીબ નિવેદન, ‘સારા રસ્તાઓ બનાવીએ તો અકસ્માત થાય છે’

મુખ્ય સમાચાર રાજકીય

ટ્રાફિક નિયમના ભંગ બદલ જંગી રકમનો દંડ લાદતાં પહેલા સરકારે રસ્તાઓ સુધારવા પડશે, પ્રજાની એવી માગ વચ્ચે સરકારનો બચાવ કરનાર કર્ણાટકના એક મંત્રી ગોવિંદ કરજોલે એવી વિચિત્ર વાત કહી હતી કે દેશના રસ્તાઓ સારા હોવાના કારણે માર્ગ અક્સમાતો થાય છે.

જાહેર બાંધકામ વિભાગના મંત્રી એવા કરજોલે જાણેકે કંટાળીને આ નિવેદન કર્યું હશે, એવું મનાય છે. ખરાબ રસ્તાઓના કારણે અવારનવાર અકસ્માતો થાય છે તો પછી શા માટે આટલી જંગી રકમનો દડ લાદવો જોઇએ, એવા ચિત્રદુર્ગમાં એક સમારંભમાં તેમને પૂછાયેલા એક સવાલના જવાબમાં તેમણે આ મુજબ કહ્યું હતું.

અકસ્માતો માટે ખરાબ નહીં પણ સારા રસ્તા જ જવાબદાર હોય છે, એમ તેમણે ભારપૂર્વક કહ્યું હતું. તેમણે એવી દલીલ કરી હતી કે જુઓ આપણા રસ્તા કેટલા સારા છે.નેેશનલ હાઇ વે પર કલાકની એક સો અને 120 કિમીની ઝડપે વાહનો જાય તો અકસ્માત તો થાય જ.તેમણે પ્રજાની વેદનાને વાચા આપતા કહ્યું હતું કે તેઓ પોતે પણ જંગી દંડની તરફેણમાં નથી અને રાજ્યની સરકાર ટુંક સમયમાં દંડની રકમ ઘટાડવા કોઇ નિર્ણય લેશે એવી મને આશા છે.

કરજોલે કરેલા નિવેદનની સોશિયલ મિડીયામાં ભારે ટીકા થઇ હતી. અનેક લોકોએ આ વિચિત્ર નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી હતી. તો કોંગ્રેસના પ્રવકતા બ્રિજેશ કલપ્પાએ પોતાના ફેસબુક પર કરજોલના નિવેદનને ‘વધાવી’ લીધો હતો અને ટોણો માર્યો હતો કે ે આ જ સાચો માર્ગ છે. કેન્દ્ર સરકારે લાદેલા ભારે દંડ અંગે સોશિયલ મીડિયામાં બરાબરની દલીલો ચાલે છે અને કેટલાક લોકો ઇચ્છે છે કે સરકારે દંડ વસુલતા પહેલાં પ્રજાને સારા રસ્તા આપવા જોઇએ અને પછી જ દંડની વાત કરવી જોઇએ.