ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે સતત ત્રીજી સીરિઝ જીતી, ત્રીજી T-20માં 67 રને હરાવ્યું

ખેલ-જગત મુખ્ય સમાચાર

ભારતે ત્રણ મેચની સીરિઝની અંતિમ T-20માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઇન્ડિઝને 67 રને હરાવ્યું હતું. આ સાથે ભારતે 2-1થી સીરિઝ પોતાના નામે કરી હતી. 241 રનનો પીછો કરતા વેસ્ટ ઇન્ડિઝની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 173 રન જ કરી શકી હતી. ભારત વિન્ડીઝ સામે સતત ત્રીજી T-20 સીરિઝ જીત્યું છે. ભારતે 2018માં વેસ્ટ ઇન્ડિઝને 3-0થી અને આ વર્ષે જ ઓગસ્ટમાં પણ 3-0થી હરાવ્યું હતું.

ભારતની રનના માર્જિનથી વેસ્ટ ઇન્ડિઝ સામે બીજી સૌથી મોટી જીત છે. આ પહેલા ભારતે 2018માં લખનૌમાં વિન્ડીઝને 71 રને હરાવ્યું હતું. રનચેઝમાં વિન્ડીઝ માટે કેપ્ટન કાયરન પોલાર્ડે સૌથી વધુ 69 રન કર્યા હતા. ભારત માટે દિપક ચહર, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી.

T-20માં સૌથી વધુ મેચ હારનાર ટીમની સૂચિમાં વિન્ડીઝે શ્રીલંકાની બરાબરી કરી: વેસ્ટ ઇન્ડિઝ આજે 61મી વાર T-20 ફોર્મેટમાં હાર્યું હતું. તેણે આ મામલે શ્રીલંકાની બરાબરી કરી છે. બાંગ્લાદેશ 60 હાર સાથે સૂચિમાં બીજા સ્થાને છે. જયારે ન્યૂઝીલેન્ડ 56, પાકિસ્તાન 55 અને ઝિમ્બાબ્વે 54 હાર સાથે અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે આવે છે.

ભારતે વિન્ડીઝને 241 રનનો લક્ષ્યાંક આપ્યો

ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામેની અંતિમ T-20માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે 20 ઓવરમાં 3 વિકેટે 240 રન કર્યા છે. લોકેશ રાહુલ અને રોહિત શર્માએ ટીમને શાનદાર શરૂઆત અપાવતા 8 ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 135 રનની ભાગીદારી કરી હતી. રાહુલે 56 બોલમાં 9 ચોક્કા અને 4 છગ્ગાની મદદથી 91 રન કર્યા હતા. જ્યારે રોહિતે 34 બોલમાં 71 રન કર્યા હતા.

કોહલીએ 241ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી, 29 બોલમાં 70 રન કર્યા

કપ્તાન વિરાટ કોહલીએ ઓપનર્સે આપેલી શરૂઆતનો ફાયદો ઉઠાવતા 29 બોલમાં 7 છગ્ગા અને 4 ચોક્કાની મદદથી 70 રન કર્યા હતા. કોહલી આજે ચોથા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો. ઋષભ પંતને ત્રીજા ક્રમે પ્રમોટ કરવામાં આવ્યો હતો. જોકે તે ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન ભેગો થયો હતો. વિન્ડીઝ માટે પોલાર્ડ, વિલિયમ્સ અને કોટરલે 1-1 વિકેટ લીધી હતી.

રોહિત ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 400 સિક્સ ફટકારનાર ત્રીજો બેટ્સમેન બન્યો

રોહિતે 23 બોલમાં કરિયરની 19મી ફિફટી પૂરી કરી હતી. તે 34 બોલમાં 71 રન કરીને વિલિયમ્સની બોલિંગમાં વોલ્શના હાથે કેચ આઉટ થયો હતો. રોહિત ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 400 સિક્સ ફટકારનાર ત્રીજો બેટ્સમેન બન્યો છે. તેની પહેલા ક્રિસ ગેલ (534 સિક્સ) અને શાહિદ આફ્રિદી (476) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.