ઉત્તર પ્રદેશમાં લગભગ 40 વર્ષથી એક કાયદો અસ્તિત્વમાં છે જે રાજ્યના મંત્રીઓને આવકવેરો ન ભરવા સામે રક્ષણ આપી રહ્યો છે. જો કે રાજનેતાઓ આ કાયદા વિશે કંઇ જાણતા ન હોવાની વાત કરી રહ્યા છે.
ઉત્તર પ્રદેશ મંત્રી વેતન, ભથ્થા અને વિવિધ કાયદો 1981 જ્યારે અમલમાં આવ્યો ત્યારે વિશ્વનાથ પ્રતાપ સિંહ મુખ્યમંત્રી હતા, આ કાયદાએ અત્યાર સુધી 19 મુખ્યમંત્રીઓ અને એક હજાર મંત્રીઓને ફાયદો કરી આપ્યો છે. જ્યારથી આ કાયદો લાગૂ થયો છે ત્યારથી અત્યાર સુધી યોગી આદિત્યનાથ, રામ પ્રકાશ ગુપ્તા, રાજનાથ સિંહ, શ્રીપતિ મિશ્રા, વીર બહાદુર સિંહ અને નારાયણ દત્ત તિવારીને આ કાયદાનો લાભ મળ્યો છે. કાયદો ઘડતી વખતે મુખ્યમંત્રી રહેલા વિશ્વનાથ પ્રતાપ સિંહે વિધાનસભામાં તર્ક આપ્યો હતો કે, રાજ્ય સરકારે આવકવેરાનો બોજો ઉઠાવવો જોઇએ કારણ કે, મોટાભાગના નેતાઓ ગરીબ પરિવારોમાંથી આવ્યા છે અથવા તેમની આવક ઓછી છે.
રસપ્રદ બાબત એ છે કે રાજ્યએ બસપા પ્રમુખ માયાવતીનું નેતૃત્વ પણ જોયું છે. 2012ની રાજ્યસભા ચૂંટણીમાં માયાવતીના સોંગદનામા મુજબ તેમની સંપત્તિ 111 કરોડ રુપિયા દર્શાવવામાં આવી હતી. તાજેતરની લોકસભા ચૂંટણીમાં અપાયેલા સોંગદનામાં મુજબ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ તેમની પત્ની ડિમ્પલ સાથે 37 કરોડ રુપિયાથી વધારેની સંપત્તિ ધરાવે છે. મુખ્યમંત્રી યોગીની સંપત્તિ 95 લાખ રુપિયા હોવાની જાણકારી છે.
જો કે હવે આ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.