ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે વ્હાઈટ હાઉસની મુલાકાત કરી હતી. ટ્રમ્પ અને સાંસદો સાથે ભવિષ્યની ટેકનોલોજી અને ઈન્ટરનેટ રેગ્યુલેટરી બાબતે ચર્ચા કરી હતી. ટ્રમ્પે ફેસબુક ઉપર ઝકરબર્ગ સાથેની તસવીર શેર કરી હતી. ફેસબુક પ્રવક્તાએ પણ આ અંગેની જાણકારી આપી હતી.
ડેમોક્રેટિક સાંસદ માર્ક વાર્નર અને તે સિવાયના સાંસદોએ વ્હાઈટ હાઉસમાં માર્ક ઝકરબર્ગને ડીનર માટે આમંત્રણ આપ્યું હતું. એ વખતે ફેસબુકના ડેટા પ્રાઈવસી જેવા મુદ્દે ચર્ચા થઈ હતી.
રિપબ્લિકન સાંસદ જોશ હાવલેએ ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે વૉશિંગ્ટન મુલાકાત વખતે તે માર્ક ઝકરબર્ગને મળ્યા હતા અને તેમણે માર્કને વોટ્સએપ અને ઈસ્ટાગ્રામ વેંચી દેવાની રજૂઆત કરી હતી, કારણ કે ફેસબુક એનાથી તે સાબિત કરી શકશે તે પૂર્વગ્રહથી પર છે. જોશ ફેસબુકની પોલીસી બાબતે હંમેશા ટીકા કરતા આવ્યાં છે.
જોકે, માર્ક ઝકરબર્ગે સ્પષ્ટ કહ્યું હતું કે ફેસબુકની ઈસ્ટાગ્રામ અને વોટ્સએપ વેંચવાની કોઈ જ ગણતરી નથી. જોશે જ જાણકારી આપતા કહ્યું હતું કે માર્ક ઝકરબર્ગને એવું ય કહેવાયું હતું કે થર્ડ પાર્ટી દ્વારા સેન્સરશિપ સર્વેક્ષણ થાય તેમાં ફેસબુક અને તેની સાથી કંપનીઓ રીપોર્ટ જમા કરાવે. માર્ક ઝકરબર્ગે બંને બાબતોની ના પાડી દીધી હતી.

